જામનગરઃ હાલ કોરોના સામેની લડાઈના ભાગરૂપે દેશભરમાં સંપૂર્ણપણે લોકડાઉન સ્થિતિ લાગુ છે ત્યારે ઘણી જાણીતી હસ્તીઓ પોતાની ઈતર પ્રવૃત્તિ દર્શાવતા વિડિયો ઈન્ટરનેટ પર રિલીઝ કરતી હોય છે.
ક્રિકેટ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ પોતાનો એક વિડિયો ઈન્ટરનેટ પર શેર કર્યો છે.
પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરેલા વિડિયોમાં જાડેજા એની ફેવરિટ તલવાર ચલાવતો જોઈ શકાય છે.
જાડેજાએ મ્યાનમાંથી તલવાર કાઢે છે અને પછી એને આજુબાજુ વીંઝવાની પોતાની કળા બતાવે છે.
ઘણી વાર મેચમાં પોતે સારી બેટિંગ કરતો હોય છે ત્યારે જાડેજા ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂપ તરફ ફરીને પોતાનું બેટ તલવારની જેમ વીંઝતો હોય છે, એમ બતાવવા માટે જોયું, હરીફોને કેવા માર્યા.
હાલનો વિડિયો રિલીઝ કરીને જાડેજાએ એની કેપ્શનમાં લખ્યું છે, ‘તલવાર પોતાની ચમક ગુમાવી શકે છે, પણ પોતાના માલિકનું ક્યારેય અપમાન નહીં કરે. #રાજપૂતછોકરો.’
જાડેજા પોતાના ફાર્મહાઉસ પર આ તલવારબાજી બતાવતો હોવાનું મનાય છે.
A “SWORD” MAY LOOSE IT’S SHINE,BUT WOULD NEVER DISOBEY IT’S MASTER #rajputboy pic.twitter.com/kKyKQ9vSWk
— Ravindrasinh jadeja (@imjadeja) April 12, 2020
પરંતુ જાડેજાએ એના ટ્વીટની કેપ્શનમાં હેશટેગ ‘રાજપૂતબોય’ લખ્યું એટલે કેટલાક ઈન્ટરનેટ યુઝર્સને એ ગમ્યું નથી અને એને ટ્રોલ કર્યો છે. કેટલાકે એને ઊંચી જાતિનો ઘમંડ હોવાનો આરોપ મૂક્યો છે તો કેટલાકે કહ્યું કે રાજપૂત લોકો અનેક લડાઈ હાર્યા હતા અને આવા ખાલી મેદાનમાં તલવાર ચલાવવાથી કંઈ ન વળે.
જોકે ઘણા લોકો જાડેજાના સમર્થનમાં પણ આવ્યા છે. કોઈકે કહ્યું કે જાડેજાએ તો માત્ર પ્રશંસકોના મનોરંજન માટે આ વિડિયો પોસ્ટ કર્યો છે, પણ અમુક લોકોએ એને ખોટું સ્વરૂપ આપી દીધું છે.