ટોકિયોઃ આગામી ઉનાળુ ઓલિમ્પિક રમતોત્સવ અને દિવ્યાંગજનો માટેના પેરાલિમ્પિક રમતોત્સવને કોરોના વાઈરસના ફેલાવાને કારણે મુલતવી રાખવાનું કદાચ અનિવાર્ય બનશે એવું જાપાનના વડા પ્રધાન શિન્ઝો એબેએ જણાવ્યું છે.
એબેએ જાપાનની સંસદમાં જણાવ્યું કે ખતરનાક રોગચાળા COVID-19ના ફેલાવાને કારણે ટોકિયો ઓલિમ્પિક્સ-2020ને મુલતવી રાખવા અનિવાર્ય બની શકે છે.
ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી આગામી અઠવાડિયાઓમાં કોરોનાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિની ટોકિયોગેમ્સના આયોજન પર થયેલી અસરોનો અભ્યાસ કરવાની છે અને ત્યારબાદ પોતાનો નિર્ણય જાહેર કરશે. તેઓ પણ ગેમ્સને મુલતવી રાખવાના મુદ્દે ચર્ચા કરવાના છે.
એબેએ સંસદમાં કહ્યું કે એથ્લીટ્સની સુરક્ષા આપણે મન સૌથી મહત્ત્વની છે એટલે ઓલિમ્પિક્સ-2020ને મુલતવી રાખવાનું કદાચ અનિવવાર્ય બનશે.
ટોકિયો શહેરમાં આવતી 24 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી ઓલિમ્પિક ગેમ્સ યોજવાનું નિર્ધારિત કરાયું છે.
પવિત્ર ઓલિમ્પિક જ્યોત ગ્રીસના એથેન્સ શહેરમાંથી ગયા શુક્રવારે ટોકિયો આવી પહોંચી હતી. ટોર્ચ રીલે (જ્યોતની રીલે સફર) 26 માર્ચથી યોજવાનું પણ નક્કી કરાયું છે, પરંતુ કોરોનાનાં ફેલાવાએ ચિંતા ઊભી કરી દીધી છે.
દરમિયાન, કેનેડા ટોકિયો ઓલિમ્પિક્સમાંથી ખસી ગયું છે. કેનેડિયન ઓલિમ્પિક કમિટીએ જાહેરાત કરી દીધી છે કે કોરોના વાઈરસના ફેલાવાને કારણે ગેમ્સને એક વર્ષ સુધી મુલતવી રાખો તો જ અમે ભાગ લઈશું. જો આ વર્ષના જુલાઈમાં જ યોજવાના હો તો અમે અમારા એથ્લીટ્સને નહીં મોકલીએ.
કોરોના રોગચાળાને કારણે ઓલિમ્પિક્સનો બહિષ્કાર કરવાની ધમકી આપનાર કેનેડા દુનિયાનો પહેલો જ દેશ છે.