કોરોનાનાં ડર વચ્ચે ઓલિમ્પિક જ્યોત જાપાન પહોંચી

ટોકિયોઃ પવિત્ર ઓલિમ્પિક જ્યોત આજે જાપાન પહોંચી ગઈ છે. ટોકિયો શહેરમાં નિર્ધારિત ઓલિમ્પિક-2020 ગેમ્સ શરૂ થવાને આડે માત્ર ચાર મહિના જ બાકી રહ્યા છે, પણ કોરોના વાઈરસે ભયંકર ગભરાટ ફેલાવ્યો છે એવા સંજોગોમાં ઓલિમ્પિક જ્યોતનું જાપાનમાં આગમન થયું છે. જ્યોતને ઓલિમ્પિક ગેમ્સના પ્રારંભિક ગ્રીસ દેશના એથેન્સ શહેરથી લાવવામાં આવી છે.

જ્યોત સાથેનું ‘ધ ટોકિયો 2020 ગો’ નામના ચાર્ટર્ડ વિમાને આજે સવારે જાપાનના મિયાગી જિલ્લાના માત્સુશિમા શહેરના જાપાનીઝ એર સેલ્ફ-ડીફેન્સ ફોર્સ મથક ખાતે ઉતરાણ કર્યું હતું.

આ ઓલિમ્પિક જ્યોતની આગમન વિધિની બાદમાં ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ કોરોના વાઈરસના ફેલાવાને કારણે સ્થાનિક વિદ્યાર્થીઓના પરફોર્મન્સના કાર્યક્રમને રદ કરવામાં આવ્યો છે.

જ્યોતની રીલે-સફરને ફુકુશીમાના ગામમાંથી 26 માર્ચે શરૂ કરાય એ પહેલાં એને 2011ના ભૂકંપ તથા સુનામીની આફતોમાં ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે સૌથી વધારે અસરગ્રસ્ત એવા ત્રણ ઉત્તરીય જિલ્લાઓમાં લઈ જવામાં આવશે.

જ્યોતની રીલે સફર 26 માર્ચથી શરૂ થશે અને 24 જુલાઈએ ટોકિયો ઓલિમ્પિક્સના ઉદઘાટન સમારોહ વખતે ઓલિમ્પિક હાંડાને પ્રજ્વલિત કરવા સાથે જ જ્યોતની સફરની પૂર્ણાહુતિ થશે.

ટોકિયો ઓલિમ્પિક્સ 24 જુલાઈથી શરૂ થશે અને 9 ઓગસ્ટે પૂરી થશે.

દરમિયાન, જાપાનીઝ ઓલિમ્પિક કમિટીના એક અધિકારીએ એવો અનુરોધ કર્યો છે કે ઓલિમ્પિક ગેમ્સને મુલતવી રાખવી જોઈએ. કોરોના વાઈરસને કારણે લોકો આનંદ માણી શકે એવી પરિસ્થિતિમાં ગેમ્સને યોજવી યોગ્ય નથી.

વળી, એથ્લીટ્સ પણ ગેમ્સ માટે પર્યાપ્ત રીતે સજ્જ થઈ શક્યા નથી.