પીએમ મોદીના સુરક્ષા નિયમોનું પાલન કરવાની વિરાટ કોહલીની અપીલ

મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એમના રાષ્ટ્રજોગ વક્તવ્યમાં કોરોના વાઈરસના સંદર્ભમાં દર્શાવેલા સુરક્ષાને લગતા નિયમોનું પાલન કરવાની ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ દેશના તમામ નાગરિકોને વિનંતી કરી છે.

કોહલીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, ‘કોરોના વાઈરસ (Covid-19) જાગતિક રોગચાળાના સંદર્ભમાં આપણે સતર્ક, સાવધાન અને વાકેફ રહેવાની જરૂર છે. આ રોગનો સામનો કરવા માટે સજાગ રહેજો. આપણે સહુ જવાબદાર નાગરિકો છીએ અને આપણા માનવંતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ જાહેર કરેલા સુરક્ષા નિયમોનું આપણે પાલન કરવું જોઈએ. #IndiaFightsCorona’

કોહલીએ કોરોના વાઈરસ રોગ સામે લડી રહેલા દેશના તેમજ વિશ્વભરના તબીબી વ્યાવસાયિકોનો પણ પોતાના ટ્વીટમાં ખાસ ઉલ્લેખ કર્યો છે.

 

એણે લખ્યું છે કે, હું કોરોના વાઈરસ સામેની લડતમાં સામેલ થયેલા દેશના તેમજ દુનિયાભરના તમામ તબીબી વ્યાવસાયિકોનો પણ ખાસ ઉલ્લેખ કરવા માગું છું. આપણા સહુની સંભાળ લેવા બદલ ચાલો એમનું સમર્થન કરીએ.

વડા પ્રધાન મોદીએ એમના વક્તવ્યમાં દેશની જનતાને અપીલ કરી છે કે તેઓ 22 માર્ચના રવિવારે સવારે 7 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ઘરમાં જ રહીને ‘જનતા કર્ફ્યૂ’ કરે.

કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે સમગ્ર વિશ્વમાં તમામ ખેલકૂદ સ્પર્ધાઓને કાં તો મુલતવી રાખવામાં આવી છે કાં તો રદ કરવામાં આવી છે.

ભારતીય ક્રિકેટ ટીમની પણ સાઉથ આફ્રિકા સામેની તાજેતરની વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણીને પણ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે પડતી મૂકી દેવામાં આવી હતી.

તદુપરાંત, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધાને પણ મુલતવી રાખી છે. આ સ્પર્ધા 29 માર્ચથી શરૂ થવાની હતી, પણ હવે એને 15 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે.#

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]