રોહિતની ‘વિરાટ’ તુલનાઃ એક શેર તો બીજો સવા શેર

 નવી દિલ્હીઃ રોહિત શર્મા દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં વિરાટ કોહલીને સ્થાને ભારતની વનડે ટીમની કેપ્ટનશિપ કરશે. 2023ના વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતાં રોહિતને આ જવાબદારી આપવામાં આવી છે. રોહિત પણ વર્લ્ડ કપ માટે ટીમને તૈયાર કરવા ઇચ્છશે, જે ભારતને ત્રીજી વાર આ ટ્રોફી અપાવી શકે. જોકે એના માટે હાલ ઘણો સમય છે. 2017માં ભારતની વનડે કેપ્ટનશિપ સંભાળનાર વિરાટનો રેકોર્ડ પણ સારો છે, પણ તે ICC ટુર્નામેન્ટ જીતી નથી શક્યો. તેની જગ્યાએ રોહિતને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જેનો IPLમાં રેકોર્ડ બહુ શાનદાર છે.

લાંબા સમયથી અટકળો હતી કે વિરાટ T20 પછી વનડેની કેપ્ટનશિપ પણ છોડશે અને એ જવાબદારી રોહિતને આપવામાં આવશે. ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પણ આવા જ સંકેત આપ્યા હતા.

રોહિત કેપ્ટનશિપ હેઠળ IPLમાં પાંચ વાર મુંબઈ ઇન્ડિયન્સને વિજેતા બનાવ્યું છે, જ્યારે વિરાટ અત્યાર સુધી ટીમને એક પણ વખત જીતી નથી શક્યો. કોહલીની ગેરહાજરીમાં પણ રોહિતને કેપ્ટનશિપ કરવાની તક મળી છે અને ત્યારે તેણs સારો દેખાવ કર્યો છે. રોહિતે 2018માં ભારતને એશિયા કપ અને નિદાહાસ ટ્રોફી અપાવી હતી. એ દરમ્યાન તેની કેપ્ટનશિપની ઘણી ચર્ચા થઈ હતી.

વિરાટે 95 વનડેમાં ભારતની ધુરા સંભાળી છે અને 65માં ટીમ ઇન્ડિયાને જીત અપાવી છે, જ્યારે 27માં તેણે હારનો સામનો કરવો પડ્યો છે. તેની કેપ્ટનશિપમાં 70.43 મેચ જીત્યો છે. સામે પક્ષે રોહિતે 10 વનડે મેચોમાં ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી છે અને આઠ વાર ભારતને જિતાડ્યું છે અને બે વાર હારનો સામનો કર્યો છે. T20 મેચોમાં રોહિતે ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપમાં 18 મેચોમાં જીત અપાવી છે.