2009 બાદ પહેલી જ વાર બ્રેબોર્ન સ્ટેડિયમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યોજશે

મુંબઈ – ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની આગામી સીરિઝની ચોથી મેચ 29 ઓક્ટોબરે અહીંના વાનખેડે સ્ટેડિયમને બદલે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. 2009ની સાલ બાદ આ પહેલી જ વાર બ્રેબોર્નમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યોજાશે.

વાનખેડે સ્ટેડિયમના માલિક મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ) અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) વચ્ચે થયેલા એક ઝઘડાને કારણે બીસીસીઆઈએ 29 ઓક્ટોબરની વન-ડે મેચને વાનખેડેમાંથી બ્રેબોર્નમાં શિફ્ટ કરી દીધી છે.

છેલ્લે, 2009માં ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી.

વાનખેડે સ્ટેડિયમ એટલે ‘મુંબઈનું ક્રિકેટ કાશી’ ગણાય. પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી એમસીએ અને બીસીસીઆઈ વચ્ચે કોમ્પ્લીમેન્ટરી ટિકિટોના વિતરણના મુદ્દે ઝઘડો ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે નિમેલી CoA દ્વારા ઘડવામાં આવેલી કોમ્પ્રોમાઈઝ ફોર્મ્યુલા અંતર્ગત બીસીસીઆઈએ 600 કોમ્પ્લીમેન્ટરી ટિકિટનો ક્વોટા નક્કી કર્યો છે, પણ એમસીએને તે માન્ય નથી. બીસીસીઆઈ સામે જંગે ચડનાર એમસીએ દેશનું પહેલું ક્રિકેટ એસોસિએશન નથી. બંગાળ, મધ્ય પ્રદેશ અને તામિલનાડુના ક્રિકેટ એસોસિએશનો પણ વાંધો ઉઠાવી ચૂક્યા છે.

વાસ્તવમાં, અત્યારે એમસીએમાં કોઈ બોસ નથી. સુપ્રીમ કોર્ટે નિમેલી લોઢા કમિટીએ એમસીએનો વહીવટ સંભાળવા માટે વચગાળાની સમિતિમાં નિમેલા ભૂતપૂર્વ ન્યાયમૂર્તિઓ – હેમંત ગોખલે અને વી.એમ. કાનડેની મુદત પૂરી થઈ ગઈ છે.

એમસીએના એક સૂત્રનું કહેવું છે કે અમને 600 કોમ્પ્લીમેન્ટરી પાસનો ક્વોટા મંજૂર નથી. અમારે 7000 ટિકિટ જોઈએ, કારણ કે અમારા 330 ક્લબ સભ્યો, ડોનર્સ, મહારાષ્ટ્ર સરકાર, પોલીસ, ફાયર બ્રિગેડ, ખેલકૂદ વિભાગ, જાહેર બાંધકામ વિભાગને આ ટિકિટો વહેંચવાની હોય છે.

અત્યારે એમસીએમાં એવા કોઈ સત્તાધિશ નથી, જે એસોસિએશન વતી ચેક પર સહી કરી શકે, એને કારણે સમસ્યા વધારે ગૂંચવાઈ છે અને પરિણામે એમસીએ (વાનખેડે સ્ટેડિયમને) ભારત-વેસ્ટ ઈન્ડિઝ વન-ડે મેચ ગુમાવવી પડી છે.

ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે કુલ 5 વન-ડે ઈન્ટરનેશનલ મેચો રમાવાની છે. પહેલી મેચ 21 ઓક્ટોબરે ગુવાહાટીમાં અને બીજી 24 ઓક્ટોબરે વિશાખાપટનમમાં રમાશે. ત્યારબાદ ત્રીજી મેચ 27 ઓક્ટોબરે પુણેમાં, ચોથી મેચ 29 ઓક્ટોબરે મુંબઈમાં (બ્રેબોર્ન સ્ટેડિયમમાં) અને પાંચમી તથા છેલ્લી મેચ 1 નવેંબરે તિરુવનંતપુરમમાં રમાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]