ક્રિકેટ-બોલીવૂડ વચ્ચે પ્રેમલગ્નઃ ઝહીર-સાગરિકા બન્યાં જીવનસાથી

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ડાબોડી ફાસ્ટ બોલર ઝહીર ખાન અને ફિલ્મ અભિનેત્રી સાગરિકા ઘાટગેએ લગ્ન કરી લીધાં છે. આ વીવીઆઈપી લગ્નનું રિસેપ્શન ૨૭ નવેમ્બરે યોજાવાનું છે.

ઝહીર ખાને આ જ વર્ષે અગાઉ ટ્વીટ કરીને સાગરિકા સાથે પોતાની સગાઈ થયાની જાણકારી આપી હતી. એ વખતે એણે સાગરિકા સાથે પોતાની એક તસવીર પણ શેર કરી હતી.

સાગરિકા શાહરૂખ ખાનની ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’માં હોકી ખેલાડી તરીકે ચમકી હતી. એ ફિલ્મની ભૂમિકા માટે એને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો.

ઝહીર અને સાગરિકા વચ્ચે ઘણા સમયથી અફેર ચાલી રહ્યો હતો, જે સગાઈમાં અને હવે આજે લગ્નમાં ફેરવાયો છે.

ઝહીરનાં લગ્નમાં ભારતીય ક્રિકેટના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે તેની પત્ની હેઝલ કીચ સાથે હાજરી આપી હતી.

ઝહીર અને સાગરિકાએ મુંબઈમાં કોર્ટ મેરેજ કર્યાં છે અને એમણે રિસેપ્શન પણ મુંબઈમાં જ રાખવાનું નક્કી કર્યું છે.

લગ્ન પ્રસંગે નવદંપતીનાં પરિવારજનો તથા અત્યંત નિકટનાં મિત્રો જ હાજર રહ્યાં હતાં. રિસેપ્શન ભવ્ય હશે.

ઝહીર કે સાગરિકાએ એમનાં લગ્નની સત્તાવાર રીતે કોઈ જાણ કરી નથી, પણ ઉપરની તસવીરો સ્પષ્ટ કરે છે કે બંને જણે લગ્ન કરી લીધાં છે.

આજે બંનેનાં લગ્ન એક પર્સનલ સેરેમની હતાં. લગ્ન બાદ મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટેલમાં કોકટેલ પાર્ટી પણ રાખવામાં આવી હતી.

ઝહીર-સાગરિકાનાં લગ્નની તસવીર સૌથી પહેલાં ઝહીરના ફિટનેસ સ્ટુડિયોની બિઝનેસ હેડ અંજના શર્માએ શેર કરી હતી. બાદમાં સાગરિકાએ પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પણ તે પોસ્ટ કરી.


બોલીવૂડ અને ક્રિકેટનો લવઅફેર અને લગ્ન

બોલીવૂડ અભિનેત્રી અને ક્રિકેટર વચ્ચે લગ્ન થયાનો આ કંઈ પહેલો પ્રસંગ નથી. શર્મિલા ટાગોર અને મન્સૂર અલી ખાન પટોડીથી શરૂઆત થયા બાદ સંગીતા બિજલાની અને મોહમ્મદ અઝહરુદ્દીનની લવસ્ટોરી પણ શાદીમાં પરિવર્તિત થઈ હતી. એક અન્ય કિસ્સામાં પણ બોલીવૂડની અભિનેત્રીએ ક્રિકેટર સાથે લગ્ન કર્યાં છે. એ જોડી છે – અભિનેત્રી રીના રોય અને ભૂતપૂર્વ પાકિસ્તાની બેટ્સમેન મોહસીન ખાન.

હરભજન સિંહ અને ગીતા બસરા

ઓફ્ફ સ્પિનર હરભજન સિંહે બોલીવૂડની અભિનેત્રી અને જૂની ગર્લફ્રેન્ડ ગીતા બસરા સાથે લગ્ન કર્યાં છે. બંનેએ 2015માં લગ્ન કર્યા હતા અને એમને એક પુત્રી છે.

હરભજન સિંહ અને ગીતાની લવસ્ટોરી લાંબી ચાલી હતી. એક વાર શાહરૂખ ખાને ભજ્જીને મજાકમાં પૂછ્યું પણ હતું, ‘તુમ્હારા ઘર કબ BASRA હૈ?’ પણ શરમાળ સ્વભાવના હરભજને એનો જવાબ આપ્યો નહોતો અને બંને હાથ વડે એનો ચહેરો છુપાવી દીધો હતો.

ગીતા બસરાએ દિલ દીયા હૈ, ધ ટ્રેન, ઝિલા ગાઝિયાબાદ, ભૈયાજી સુપરહિટ, સેકન્ડ હેન્ડ હસબંડ જેવી હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

હરભજન સિંહ અને ગીતાની પુત્રીનું હિનાયા છે.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

એક રિયાલિટી શોમાં યુવરાજ સિંહે જણાવ્યું હતું પોતે હેઝલની પાછળ ત્રણ વર્ષથી પડ્યો હતો અને આખરે હેઝલે એના લગ્નના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો હતો.

કહેવાય છે કે યુવરાજ અને ‘બોડીગાર્ડ’ ફિલ્મની અભિનેત્રી હેઝલ ઈન્ડોનેશિયાના બાલી ટાપુમાં એક વાર મળ્યા હતા અને ત્યાં યુવરાજે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.

ગયા વર્ષે બંનેએ ધામધૂમથી લગ્ન કર્યા હતા. બંને જણ આજે આનંદપૂર્વક લગ્નજીવન માણી રહ્યાં છે.

બ્રિટનમાં જન્મેલી હેઝલ કીચનું મૂળ નામ ગુરબસંત કૌર છે. એ મૂળ બ્રિટિશ-મોરિશિયન મોડેલ-અભિનેત્રી છે. એનાં પિતા બ્રિટિશર છે અને માતા ઈન્ડો-મોરિશિયન (બિહારી) હિન્દુ છે.

શર્મિલા-મન્સૂર અલી ખાન વચ્ચે પહેલી નજરનો પ્રેમ થયો હતો

બોલીવૂડનાં જાજરમાન અભિનેત્રી શર્મિલા ટાગોર અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મન્સૂર અલી ખાન પટોડી પહેલી વાર મળ્યાં હતાં અને એ જ મુલાકાતથી એમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.

બંને જણ 1965માં એક મિત્રની પાર્ટીમાં મળ્યા હતા અને એ જ ક્ષણથી એકબીજાની નિકટ આવ્યાં હતાં.

એ વખતે શર્મિલા ફ્રાન્સના પાટનગર પેરિસમાં એન ઈવનિંગ ઈન પેરિસ ફિલ્મનું શૂટિંગ કરતાં હતાં. પટોડી પણ ત્યારે પેરિસમાં હતા અને એમણે જગપ્રસિદ્ધ એફિલ ટાવરની સમક્ષ ઘૂંટણે બેસીને શર્મિલાને લગ્નનો પ્રસ્તાવ આપ્યો હતો.

હવે યાદીમાં ઉમેરાઈ શકે છે અનુષ્કા-વિરાટ

બોલીવૂડની વર્તમાન સફળ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટના વિક્રમોસર્જક કેપ્ટન વિરાટ કોહલી પણ ઘણા વખતથી એકબીજાંનાં પ્રેમમાં છે. બંને જણના લગ્નની જાહેરાતની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

અનુષ્કા અને વિરાટ 2013માં એક કમર્શિયલ જાહેરખબરના શૂટિંગ વખતે એકબીજાને મળ્યા હતા અને ત્યારથી એકબીજાની નિકટ આવ્યાં હતાં. એમણે તેમનો પ્રેમસંબંધ છૂપાડવાની ઘણી કોશિશ કરી હતી, પણ છેવટે વિરાટે જ કબૂલ કર્યું હતું કે હા, તે અને અનુષ્કા એકબીજાનાં પ્રેમમાં છે.


(અહેવાલઃ મનોજ મોતીવાલા)