ભૂવનેશ્વર પરણી ગયો, બાળપણની મિત્ર નુપૂર સાથે લગ્નગ્રંથિથી જોડાયો

મેરઠ – ભારતની ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમાર એની પડોશમાં રહેતી અને એની બાળપણની મિત્ર નુપૂર નાગર સાથે આજે અહીં લગ્ન કર્યાં છે.

મેરઠનિવાસી ૨૭ વર્ષીય ભૂવનેશ્વરે નુપૂર સાથે લગ્ન કરવાની જાહેરાત કોલકાતામાં ભારત-શ્રીલંકા વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ પૂરી થયા બાદ કરી જ હતી.

લગ્ન પ્રસંગ આજે મેરઠમાં ઉજવાયો હતો.

ભૂવનેશ્વર અને નુપૂરની સગાઈ ગ્રેટર નોઈડામાં થઈ હતી. એ વખતે બંનેનાં નિકટનાં મિત્રો તથા પરિવારજનોએ હાજરી આપી હતી.

આજે લગ્ન પ્રસંગે ભારતીય ટીમના ખેલાડીઓ હાજર રહી શક્યા નહોતા, કારણ કે તેઓ શ્રીલંકા સામે બીજી ટેસ્ટ મેચમાં રમવા માટે નાગપુર પહોંચી ગયા છે, જે મેચ આવતીકાલે શુક્રવારથી શરૂ થાય છે. પરંતુ ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં દિલ્હીની તાજ હોટેલમાં રીસેપ્શન રાખવામાં આવ્યું છે એમાં ભારત અને શ્રીલંકા, બંને ટીમના ખેલાડીઓને હાજર રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

ભૂવનેશ્વર નાગપુર ટેસ્ટમાં રમવાનો નથી. એની જગ્યાએ તામિલનાડુના ઓલરાઉન્ડર વિજય શંકરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ભૂવનેશ્વરનો વરઘોડો આજે સવારે ગંગાનગરસ્થિત એના નિવાસસ્થાનેથી નીકળી હતી. મોટે ભાગે ક્રિકેટરના વસ્ત્રોમાં દેખાતો  ભૂવનેશ્વર આજે શેરવાનીમાં સજ્જ વરરાજાના રૂપમાં પ્રભાવશાળી લાગતો હતો.

ભૂવનેશ્વરના પિતા કિરણપાલ સિંહ, માતા તથા મોટી બહેન તથા અન્ય સગાંસંબંધીઓ વરઘોડામાં નાચ્યાં હતાં અને સૌ કોલોનીના શિવમંદિર સુધી ગયા હતા જ્યાં એમણે પૂજા કરી હતી. ત્યારબાદ ભૂવનેશ્વર કાર દ્વારા દિલ્હી-દહેરાદૂન હાઈવે સ્થિત હોટેલ બ્રેવોરા તરફ ગયો હતો, જ્યાં લગ્નવિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂવી ત્યાં પહોંચ્યો ત્યારે ત્યાં હાજર નુપૂરનાં પરિવારજનોએ એનું તથા ભૂવીનાં પરિવારજનોનું ભવ્ય રીતે સ્વાગત કર્યું હતું.

હોટેલમાં જ લગ્નનો મંડપ તૈયાર કરવામાં આવ્યો હતો. લગ્નપ્રસંગ સવારથી લઈને અડધા દિવસ પૂરતો જ હતો. ભૂવી અને નુપૂરે લગ્નનાં સાત ફેરા લીધા હતા. બપોરે બે વાગ્યા સુધી લગ્નની વિધિ ચાલી હતી.

httpss://www.youtube.com/watch?v=IBJMYSGJLMg