સિંધુ, સાઈના, પ્રણય હોંગ કોંગ ઓપનમાં બીજા રાઉન્ડમાં પહોંચ્યા

હોંગ કોંગ – ભારતની મહિલા બેડમિન્ટન ખેલાડીઓ પી.વી. સિંધુ અને સાઈના નેહવાલ તથા પુરુષ ખેલાડી એચ.એસ. પ્રણયે અહીં હોંગ કોંગ ઓપન સુપરસિરીઝ બેડમિન્ટન સ્પર્ધામાં પોતપોતાના પહેલા રાઉન્ડની મેચ જીતીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે.

પરંતુ, બે પરિણામમાં ભારતને નિરાશા સાંપડી છે. પી. કશ્યપ પુરુષોના પહેલા રાઉન્ડમાં જ્યારે અશ્વિની પોનપ્પા તથા એન. સિક્કી રેડ્ડી મહિલાઓની ડબલ્સના પહેલા જ રાઉન્ડમાં હારી ગઈ છે.

દ્વિતીય સીડ સિંધુએ હોંગ કોંગની ક્વોલિફાયર ખેલાડી લિયુંગ યીને 21-18, 21-10થી જ્યારે સાઈનાએ ડેન્માર્કની મીટી પોલ્સનને 21-19, 23-21થી પરાજિત કરી છે.

બીજા રાઉન્ડમાં સાઈના ચીનની ચેન યુફેઈ સામે રમશે જ્યારે સિંધુનો મુકાબલો જાપાનની એયા ઓહોરી સામે થશે.

પુરુષોના સિંગલ્સ વર્ગમાં, પ્રણયે હોંગ કોંગના હૂ યૂનને 19-21, 21-17, 21-15 સ્કોરથી હરાવ્યો છે. હવે બીજા રાઉન્ડમાં તે જાપાનના કાઝુમાસા સાકાઈ સામે રમશે.

કશ્યપ દક્ષિણ કોરિયાના ખેલાડી સામે પહેલી ગેમ જીતવા છતાં 21-15, 9-21, 20-22 હારી ગયો હતો.

મહિલાઓની ડબલ્સમાં, પોનપ્પા અને રેડ્ડીની જોડીનો ચીનની જોડી સામે 21-11, 19-21, 21-19થી પરાજય થયો હતો.