એશિયા કપ-2022માં મોટો ઊલટફેરઃ પાકિસ્તાને ભારતને હરાવ્યું

નવી દિલ્હીઃ બંગલાદેશમાં રમાઈ રહેલા મહિલા એશિયા કપની ગ્રુપ મેચમાં પાકિસ્તાન સામે ભારતીય ટીમે હાર ખમવી પડી છે. પાકિસ્તાને નિદા ડારના 56 રનની ઇનિંગ્સને લીધે છ વિકેટે 137 રનનો સ્કોર બનાવ્યો હતો, પણ ટીમ ઇન્ડિયાની બેટિંગ હરોળ તૂટી પડતાં માત્ર 124 રન જ બનાવી શકી હતી. ભારતીય ટીમ જીતની હેટટ્રિક લગાવીને અહીં સુધી પહોંચી હતી, પણ પાકિસ્તાને ભારતનો વિજય રથ અટકાવી દીધો હતો. આમ આ મેચ પછી હવે ભારત અને પાકિસ્તાનાની પાસે ચાર મેચ પછી ત્રણ મેચ જીત્યા પછી 6-6 પોઇન્ટ છે.

પાકિસ્તાનથી મળેલા માત્ર 137 રનના સ્કોરનો પીછો કરતાં ટીમ ઇન્ડિયા માટે મુશ્કેલ લાગી રહ્યો હતો, કેમ કે ટોપ ઓર્ડર પિચ પર ટકી રહેવામાં નિષ્ફળ નીવડ્યો હતો. નિદાએ બે વિકેટ લીધી હતી. ટોપ ફોર્મમાં ચાલી રહેલી જેમિમા રોડ્રિગેઝ માત્ર બે રન બનાવી શકી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર માત્ર 12 રનનું યોગદાન આપી શકી હતી. જોકે ઋચા 13 બોલમાં 26 રન બનાવ્યા, ત્યારે થોડી આશા જન્મી હતી, પરંતુ એ પણ આઉટ થઈ ગઈ હતી.

પાકિસ્તાનની ટીમને શરૂઆતી આંચકા પછી નિદા ડારે એક બાજુ ઊભી રહીને શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેણે 37 બોલમાં પાંચ ચોક્કા અને એક છગ્ગો લગાવ્યો હતો. તેણે અને બિસ્માહ મારુફે ચોથી વિકેટ માટે 76 રનની મહત્ત્વની ભાગીદારી કરી હતી. 33 રને ત્રણ વિકેટ ગુમાવનાર પાકિસ્તાને છ વિકેટે 137 રન બનાવ્યા હતા.