વિશ્વ પર ઝળૂંબી રહ્યું છે મંદીનું જોખમઃ IMF

જિનિવાઃ વૈશ્વિક અર્થતંત્ર અનિશ્ચિતતા તરફ વધી રહ્યું છે. વૈશ્વિક અર્થતંત્રમાં એક તૃતીયાંશ હિસ્સો રાખતા દેશોનાં અર્થતંત્ર આગામી વર્ષે બે ત્રિમાસિક ગાળામાં ઘટાડાતરફી રહેવાની આશંકા છે, એમ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)નાં ચીફ ક્રિસ્ટલિના જ્યોર્જિવાએ કહ્યું હતું. જેથી એ સંકેત મળે છે કે વૈશ્વિક અર્થંત્ર માટે આવનારો સમય બહુ સારો નથી.

વર્લ્ડ બેન્ક અને IMFની વાર્ષિક બેઠક પહેલાં તેમણે કહ્યું હતું કે વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂક થવાનો છે, જેમાં ઘટાડાની શક્યતા છે. અમે પણ ગ્રોથનો અંદાજ ત્રણ વાર ઘટાડી ચૂક્યા છે. એને 2022 માટે 3.2 ટકા અને 2023 માટે 2.9 ટકા કરી દેવામાં આવ્યો છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ગ્રોથ સકારાત્મક થવા પર પણ મંદી જેવી હાલત દેખાશે, કેમ કે વાસ્તવિક આવક ઘટી રહી છે અને કિંમતો વધી રહી છે. હવે 2026 સુધી વૈશ્વિક આઉટપુટ (ઉત્પાદન)માં આશરે ચાર લાખ કરોડ ડોલરનો ઘટાડો થવાનો અંદાજ છે, જે જર્મનીના અર્થતંત્રના કદની બરાબર છે.

તેમણે કહ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધ અને કોરોના રોગચાળાની અસરથી બહુ વધુ અનિશ્ચિતતાની સ્થિતિ ઊભી થઈ છે. નાણાકીય સ્થિરતાને લઈને જોખમ વધી રહ્યું છે.

બીજી બાજુ, KPMG 2022 CEO આઉટલૂકના તાજા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વૈશ્વિક મંદીની આશંકાએ  લોકોની નોકરી પર મોટું જોખમ છે. વિશ્વના આશરે 46 ટકા CEO મોટા સ્તરે છટણી કરવાનું આયોજન કરી રહ્યા છે, જ્યારે 39 ટકા CEOએ નવા હાયરિંગને અટકાવી રાખ્યું છે. KPMGએ સર્વેમાં 11 દેશોમાં વિવિધ 1300 કંપનીઓને સામેલ કરી હતી. વળી, 86 ટકા CEOઓને પણ હવે મંદીની આશંકા લાગી રહી છે.