મુંબઈઃ ક્રિકેટરો અને સંબંધિત વ્યાપારીઓને પૈસાથી અને દર્શકોને મનોરંજનથી ન્યાલ કરી દેતી ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધાને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ કોરોના વાઈરસ રોગચાળાના ફેલાવાને ધ્યાનમાં લઈને અચોક્કસ મુદત સુધી સ્થગિત કરી દીધી છે.
આઈપીએલની 13મી આવૃત્તિ કે આઈપીએલ-2020ને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે એ વિશે ક્રિકેટ બોર્ડે તમામ આઠ ફ્રેન્ચાઈઝ ટીમોને જાણ કરી દીધી છે.
ભારત સરકારે દેશવ્યાપી લોકડાઉનને 3 મે સુધી લંબાવ્યાની જાહેરાત કર્યા બાદ આઈપીએલના ચીફ ઓપરેટિંગ ઓફિસર હેમાંગ અમીને તમામ ફ્રેન્ચાઈઝ માલિકો સાથે બેઠક યોજી હતી અને એમને જણાવ્યું હતું કે કોરોના વાઈરસ રોગચાળાને કારણે આ સ્પર્ધા આ વર્ષે પરંપરાગત સમયગાળા એપ્રિલ-મે મહિનામાં યોજી શકાય એમ નથી.
આઈપીએલ સ્પર્ધાને મોકૂફ રાખવામાં આવશે એવી ધારણા હતી જ અને આખરે બીસીસીઆઈ તરફથી એની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.
ગયા મંગળવારે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમનું રાષ્ટ્રવ્યાપી સંબોધન પૂરું કર્યાના થોડા જ કલાકો બાદ બીસીસીઆઈના હોદ્દેદારોએ વિડિયો કોન્ફરન્સ યોજી હતી.
બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ, ખજાનચી અરૂણ ધુમલ, આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન બ્રિજેશ પટેલ અને હેમાંગ અમીને નક્કી કર્યું હતું કે કોરોનાએ સર્જેલી કટોકટી જ્યાં સુધી હળવી ન થાય ત્યાં સુધી આઈપીએલ યોજી શકાશે નહીં.
2008માં આઈપીએલ સ્પર્ધાની શરૂઆત કરાઈ ત્યારથી આ પહેલી જ વાર સ્પર્ધાને ભારતના ઉનાળા દરમિયાન રમાડી શકાઈ નથી. અત્યાર સુધીમાં તમામ આવૃત્તિઓ માર્ચ અને મે મહિના વચ્ચેના સમયગાળામાં રમાડાઈ ચૂકી છે.
13મી આવૃત્તિને આ વર્ષની 29 માર્ચથી 24 મે વચ્ચેના સમયગાળામાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
માર્ચ મહિનામાં જ્યારે દેશમાં કોરોના વાઈરસના કેસો વધવા માંડ્યા ત્યારે બીસીસીઆઈએ આ સ્પર્ધાને 15 એપ્રિલ સુધી મુલતવી રાખવાની જાહેરાત કરી હતી. પરંતુ, કેન્દ્ર સરકારે લોકડાઉનને 14 એપ્રિલથી 3 મે સુધી લંબાવતા બીસીસીઆઈએ હવે આઈપીએલને બેમુદત મોકૂફ રાખી દીધી છે.
