મુંબઈઃ સાતત્ય જાળવી રાખવાના અભિગમ પર ભાર મૂકીને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ રાહુલ દ્રવિડને રાષ્ટ્રીય ટીમના હેડ કોચ તરીકેની મુદત લંબાવી આપવાની ઓફર કરી હોવાનો એક અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે, આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023 સમાપ્ત થતાં જ હેડ કોચ તરીકે દ્રવિડનો બે વર્ષનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે. ઈએસપીએન-ક્રિકઈન્ફોના અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, રાહુલ દ્રવિડે બીસીસીઆઈની ઓફરનો સ્વીકાર કર્યો છે કે નહીં તે હજી સ્પષ્ટ થયું નથી.
જો દ્રવિડ ઓફરનો સ્વીકાર કરશે તો બીજી મુદતમાં એમની પહેલી કોચિંગ કામગીરી ભારતીય ટીમના સાઉથ આફ્રિકા પ્રવાસની રહેશે. આ પ્રવાસ 10 ડિસેમ્બરથી શરૂ થવાનો છે, જેમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ, ત્રણ વન-ડે ઈન્ટરનેશલ અને બે ટેસ્ટ મેચોની શ્રેણીઓ રમશે. આ પ્રવાસ બાદ ભારતીય ટીમ જાન્યુઆરીમાં ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે પાંચ-મેચોની ટેસ્ટ શ્રેણી રમશે અને ત્યારબાદ જૂનમાં T20I વર્લ્ડ કપ રમાશે. દ્રવિડે 2021માં T20 વર્લ્ડ કપ સ્પર્ધા બાદ રવિ શાસ્ત્રી પાસેથી હેડ કોચ પદ મેળવ્યું હતું.