બાંગ્લાદેશે પહેલી T20I મેચમાં ભારતને 7-વિકેટથી હરાવ્યું

નવી દિલ્હી – બાંગ્લાદેશના ક્રિકેટરોએ દિલ્હીના ભયંકર હવાના પ્રદૂષણ વચ્ચે જોરદાર પરફોર્મન્સ બતાવીને આજે ભારતને શ્રેણીની પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 7-વિકેટથી હરાવી દીધું. ટ્વેન્ટી-20 ફોર્મેટમાં બાંગ્લાદેશનો ભારત પર આ પહેલો જ વિજય છે.

બાંગ્લાદેશના કેપ્ટન મેહમુદુલ્લાએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનું જણાવ્યા બાદ ભારતે તેના હિસ્સાની 20 ઓવરમાં 8 વિકેટના ભોગે 148 રન કર્યા હતા.

બાંગ્લાદેશની ટીમે તેના જવાબમાં 19.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 153 રન કરીને મેચ જીતી લીધી.

3-મેચની સિરીઝમાં આમ બાંગ્લાદેશે 1-0ની સરસાઈ મેળવી છે.

બીજી મેચ 7 નવેંબરે રાજકોટમાં અને ત્રીજી તથા આખરી મેચ 10 નવેંબરે નાગપુરમાં રમાશે.

આજની મેચમાં બાંગ્લાદેશની જીતનો હિરો રહ્યો વિકેટકીપર-બેટ્સમેન મુશ્ફીકુર રહીમ, જે 60 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એણે 43 બોલનો સામનો કર્યો હતો અને 1 છગ્ગો, 8 ચોગ્ગા ફટકાર્યા હતા.

ઓપનર લિટન દાસ 7 રન કરીને આઉટ થયા બાદ મોહમ્મદ નઈમ (26) અને સૌમ્ય સરકાર (39)ની જોડીએ સ્કોરને 54 પર પહોંચાડ્યો હતો. નઈમ આઉટ થયા બાદ સરકાર અને રહીમે સ્કોરને 114 પર પહોંચાડ્યો હતો. સરકાર આઉટ થયા બાદ રહીમ અને કેપ્ટન મેહમુદુલ્લાહ (15*)ની જોડીએ વધુ વિકેટ ગુમાવ્યા વગર ટીમને વિજય અપાવ્યો હતો.

ભારતના દાવમમાં, શિખર ધવન 41 રન કરીને ટોપ સ્કોરર રહ્યો હતો. ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે 8મા ક્રમે આવીને પાંચ બોલમાં 2 સિક્સર સાથે 15 રન ઝૂડી કાઢ્યા હતા. રેગ્યુલર કેપ્ટન વિરાટ કોહલીને આ શ્રેણી માટે આરામ અપાયો હોવાથી સુકાન સંભાળનાર રોહિત શર્માએ 9 રન કર્યા હતા. લોકેશ રાહુલે 15, શ્રેયસે ઐયરે 22, વિકેટકીપર રિષભ પંતે 27, નવોદિત શિવમ દુબેએ 1 રન કર્યો હતો. કૃણાલ પંડ્યા 15 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

ભારતે મુંબઈના ઓલરાઉન્ડર શિવમ દુબેને કારકિર્દીની પહેલી મેચ રમાડી હતી.