એશિયા કપઃ બંગલાદેશને હરાવીને ટીમ ઇન્ડિયાનો ફાઇનલમાં પ્રવેશ

નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપમાં વુમન એશિયા કપ T20 2024ની પહેલી સેમી-ફાઇનલમાં બંગલાદેશ મહિલા ક્રિકેટ ટીમને 10 વિકેટે હરાવીને ફાઇનલમાં પહોંચી છે. હવે ફાઇનલમાં ભારતનો સામનો પાકિસ્તાન અથવા શ્રીલંકામાંથી કોઈ એક ટીમની સાથે હશે. બીજી સેમી ફાઇનલ મેચમાં પાકિસ્તાનનો સામનો શ્રીલંકા સામે થશે અને જે ટીમને જીત મળશે, એ ફાઇનલમાં ભારતીય ટીમ સામે રમશે.

વુમન એશિયા કપ 2024ની પહેલી સેમી ફાઇનલમાં ભારતની રેણુકા સિંહ અને રાધા યાદવની ઘાતક બોલિંગ અને એ પછી શેફાલી વર્માના 26 નોટઆઉટ રન અને સ્મૃતિ મંધાનાના નોટઆઉટ 55 રનોની ઇનિંગ્સની મદદથી વિરોધી બંગલાદેશ ટીમની સજ્જડ હાર થઈ છે. આ મેચમાં બંગલાદેશની ટીમે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને એ પછી 20 ઓવરમાં આઠ વિકેટે 80 રન બનાવ્યા હતા.ભારતીય ટીમને જીત માટે 81 રનનો સરળ ટાર્ગેટ મળ્યો હતો અને એ ટીમે 11 ઓવરમાં વિના વિકેટે 83 રન બનાવીને મેચ 10 વિકેટે જીતી લીધી હતી.

ભારતે T20માં સૌપ્રથમ વાર બંગલાદેશને 10 વિકેટે હાર આપી હતી. આ ફોર્મેટમાં ભારતને ચાર વર્ષ પછી 10 વિકેટે જીત મળી છે. ભારતે આ પહેલાં વેસ્ટ ઇન્ડિઝની વિરુદ્ધ 10 નવેમ્બર, 2019એ 10 વિકેટે જીત હાંસલ કરી હતી.

આ મેચમાં ભારતીય ટીમ વતી રેણુકા સિંહ અને રાધા યાદવે સટિક બોલિંગ કરી હતી. રેણુકા સિંહે ચાર ઓવરમાં 10 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે રાધા યાદવે ચાર ઓવરમાં 14 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.