દુબઈમાં શનિવારથી એશિયા કપ ક્રિકેટ સ્પર્ધાનો આરંભ; ધોનીની બેટિંગ એવરેજ છે 95.16

દુબઈ – છ ટીમ વચ્ચેની એશિયા કપ સ્પર્ધા આવતીકાલથી અહીંના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ટીમ દીઠ 50 ઓવરવાળી વન-ડે ઈન્ટરનેશનલ મેચો સ્થાનિક સમય મુજબ બપોરે 3.30 વાગ્યે અને ભારતીય સમય મુજબ સાંજે પાંચ વાગ્યાથી શરૂ થશે.

એશિયા કપ ક્રિકેટ સ્પર્ધામાં રમવા માટે ભારતીય ટીમના બે ખેલાડી – વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની અને કેપ્ટન રોહિત શર્મા દુબઈ પહોંચી ગયા છે.

આ વખતની એશિયા કપમાં ભારત સહિત છ ટીમ રમશે. અન્ય પાંચ ટીમ છે – શ્રીલંકા, બાંગલાદેશ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને હોંગ કોંગ.

સ્પર્ધાની પહેલી મેચ 15 સપ્ટેંબરે રમાશે જેમાં શ્રીલંકા અને બાંગલાદેશ વચ્ચે મુકાબલો થશે.

રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમની પહેલી મેચ 18 સપ્ટેંબરે હોંગ કોંગ સામે છે. ત્યારબાદ ભારત-પાકિસ્તાન મેચ 19મી સપ્ટેંબરે રમાશે. અમુક મેચો અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં પણ રમાશે. ફાઈનલ મેચ 28 સપ્ટેંબરે દુબઈમાં રમાશે.

ભારતીય ટીમ આ મુજબ છેઃ

રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, અંબાતી રાયડુ, મનીષ પાંડે, કેદાર જાધવ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભૂવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર અને કે. ખલીલ એહમદ.

ધોનીનો રેકોર્ડ…

એશિયા કપ સ્પર્ધા ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની માટે ખૂબ ફળદાયી રહી છે. આ સ્પર્ધામાં એ કુલ 13 વન-ડે ઈન્ટરનેશનલ મેચો રમ્યો છે અને 95.16ની સરેરાશ સાથે રન બનાવ્યા છે.

37 વર્ષીય ધોનીએ 92.84ના સ્ટ્રાઈક રેટ સાથે કુલ 571 રન કર્યા છે. આમાં તે એક સદી અને 3 અડધી સદી ફટકારી ચૂક્યો છે. એકમાત્ર સદી હોંગ કોંગ સામે છે.

એશિયા કપના ઈતિહાસમાં, 10 કે તેથી વધારે મેચો રમનાર બેટ્સમેનોમાં, ધોનીની એવરેજ સૌથી વધારે છે.

એશિયા કપમાં હાઈએસ્ટ એવરેજવાળા બેટ્સમેનો (ઓછામાં ઓછા 10 દાવ રમેલા)

એમ.એસ. ધોની – 95.16

નવજોત સિંહ સિધુ – 66.25

મેરવાન અટાપટ્ટુ – 64.20


શોએબ મલિક – 63.88


વિરાટ કોહલી – 61.30


સુરેશ રૈના – 60.77