ઓસ્ટ્રેલિયા સીરિઝ પૂર્વે અમુક મુખ્ય ખેલાડીઓને આરામ આપીશું: ચીફ સિલેક્ટર પ્રસાદ

મુંબઈ – હાલમાં જ ઈંગ્લેન્ડમાં સમાપ્ત થયેલી ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમના કંગાળ દેખાવને પગલે વડા પસંદગીકાર એમ.એસ.કે. પ્રસાદે કહ્યું છે કે ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયા ખાતેના આગામી પ્રવાસ પૂર્વે ઘરઆંગણાની આગામી સીરિઝમાં મહત્ત્વના ખેલાડીઓને આરામ આપવામાં આવશે.

ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમ ટેસ્ટ સીરિઝમાં 1-4થી પરાસ્ત થઈ ગઈ. ટીમ ઈન્ડિયા બે મહિના પછી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની મુલાકાતમાં પ્રસાદે કહ્યું કે અમે એશિયા કપ સ્પર્ધા માટે કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપ્યો છે અને હવે ઓસ્ટ્રેલિયાની ટૂર પૂર્વે વધુ કેટલાક મુખ્ય ખેલાડીઓને આરામ આપવા વિચારીએ છીએ.

ઈંગ્લેન્ડની સીરિઝમાં ભારતના બેટ્સમેનોની નિષ્ફળતા વિશે પ્રસાદે કહ્યું કે અમે જ્યારે ખેલાડીઓને કોઈ ચોક્કસ સ્લોટ માટે પસંદ કરીએ છીએ ત્યારે એને સારું પરફોર્મ કરવા માટે પૂરતી તક પણ આપીએ છીએ અને યુવા ખેલાડીઓને તક આપવા વિશે પણ વિચારીએ છીએ. ઈંગ્લેન્ડની સીરિઝમાં આપણા ઓપનરો સારું રમી શક્યા હોત.

એમ તો, ઈંગ્લેન્ડના ઓપનરો પણ નિષ્ફળ ગયા હતા. બંને ટીમના ઓપનરો નિષ્ફળ ગયા હતા. છેલ્લા અમુક વર્ષોથી ત્રીજા અને પાંચમા નંબરે સારું રમી રહ્યા છે. તેઓ આપણા મિડલ ઓર્ડરના આધાર બન્યા છે. ઈંગ્લેન્ડમાં પણ તેઓ સારું રમ્યા હતા, પણ વધારે સારું રમી શક્યા હોત.

20 વર્ષના રિષભ પંતની વિકેટકીપિંગથી પ્રસાદ નિરાશ થયા છે. પ્રસાદ પોતે ભૂતપૂર્વ વિકેટકીપર છે. એમણે કહ્યું કે, પંતે બેટિંગ સારી કરી, પણ હવે એણે હાઈએસ્ટ લેવલ પર જોઈએ એવી વિકેટકીપિંગ ક્ષમતા પણ બતાવવાની જરૂર છે.

પંતે ઈંગ્લેન્ડ સામેની સીરિઝની છેલ્લી ટેસ્ટના છેલ્લા દાવમાં સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડમાં સદી ફટકારનાર એ પહેલો જ ભારતીય વિકેટકીપર બન્યો છે, પરંતુ વિકેટ્સની પાછળ એ થોડોક નબળો જણાયો હતો.

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ 21 નવેંબરથી શરૂ કરશે. પહેલાં 3 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમશે અને ત્યારબાદ બોર્ડર-ગાવસકર ટ્રોફી માટે ટેસ્ટ સીરિઝ રમશે. પહેલી ટેસ્ટ 6 ડિસેંબરથી એડિલેડમાં રમાશે.

ભારતીય ટીમ હજી સુધી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ જીતી શકી નથી. એનો શ્રેષ્ઠ દેખાવ 1981 અને 2003-04માં રહ્યો હતો જ્યારે એણે સીરિઝને ડ્રો કરી હતી.