એશિયન ગેમ્સ ગોલ્ડમેડલ વિજેતા સ્વપ્ના માટે એડિડાસ બનાવશે સ્પેશિયલ શૂઝ

નવી દિલ્હી – તાજેતરમાં ઈન્ડોનેશિયાના જકાર્તામાં રમાઈ ગયેલી 18મી એશિયન ગેમ્સમાં મહિલાઓની હેપ્ટેથ્લોન રમતમાં ગોલ્ડ મેડલ જીતીને સ્વપ્ના બર્મને સનસનાટી મચાવી દીધી હતી. સ્વપ્નાની ગોલ્ડ મેડલ સિદ્ધિ વિશેષ એટલા માટે છે કે એનાં બંને પગમાં છ-છ આંગળી છે. એને પગમાં ફિટ થાય એવા શૂઝ બજારમાં ઉપલબ્ધ નથી એટલે તે પરેશાન છે.

પરંતુ ગોલ્ડ મેડલ જીતીને એણે સૌનું ધ્યાન ખેંચ્યું છે અને હવે જગવિખ્યાત ફૂટવેર કંપની એડિડાસ સ્વપ્ના માટે કસ્ટમાઈઝ્ડ શૂઝ બનાવી આપશે.

વાસ્તવમાં, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સ્વપ્નાની મદદે આવી છે. કેન્દ્ર સરકાર સંચાલિત SAI સંસ્થાએ એડિડાસ સાથે સહયોગ કર્યો છે જે અંતર્ગત એડિડાસ હેપ્ટેથ્લીટ સ્વપ્ના માટે ખાસ ડિઝાઈનવાળા શૂઝ બનાવી આપશે.

SAIનાં મહિલા ડાયરેક્ટર જનરલ નીલમ કપૂરે એડિડાસ સાથે આ કેસ હાથ ધર્યો છે. એમણે કહ્યું કે, સ્વપ્નાની તકલીફ જાણ્યા બાદ કેન્દ્રીય સ્પોર્ટ્સ પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોરે તરત જ જકાર્તામાંથી જ અમારો સંપર્ક કર્યો હતો અને સ્વપ્ના માટે કસ્ટમાઈઝ્ડ શૂઝ બનાવડાવાની સૂચના આપી હતી. ત્યારબાદ અમે એડિડાસનો સંપર્ક કર્યો હતો અને એ કંપની ફૂટવેર બનાવી આપવા સહમત થઈ છે.

સ્વપ્નાને જન્મથી જ બંને પગમાં છ-છ આંગળી છે. ગયા મહિને જકાર્તા ગેમ્સમાં એણે એની કારકિર્દીનો શ્રેષ્ઠ દેખાવ કરીને ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સ્વપ્નાનાં કોચ સુભાષ સરકારને ઈમેલ કરીને જાણ કરી હતી અને સ્વપ્નાનાં પગની સાઈઝ, પ્રેશર પોઈ્નટ્સ તથા કસ્ટમાઈઝ્ડ સ્પાઈક્સ માટેનાં ડ્રોઈંગ તૈયાર કરીને મોકલવા કહ્યું છે.

સ્વપ્ના SAIનાં કોલકાતા સેન્ટરમાં તાલીમ લઈ રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]