મુંબઈઃ સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ટોચના પાંચ બેટ્સમેનો આઉટ થઈ ગયા બાદ ભારત માટે જીતની આશા ઘણી ઓછી થઈ ગઈ હતી. છેવટે હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિન સાવચેતીભરી રમત રમવાનું નક્કી કરી, આપસમાં 43 ઓવર રમીને મેચને ડ્રોમાં ખેંચી ગયા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં હોવા છતાં અશ્વિન અને વિહારીની તે લડાયક ભાગીદારીએ ઘણા ક્રિકેટપ્રેમીઓની વાહ-વાહ મેળવી છે. તે છતાં કેન્દ્ર સરકારના પ્રધાન બાબુલ સુપ્રિયોએ આંચકાજનક કહેવાય એ રીતે, ટ્વિટર પર બંને બેટ્સમેનની રમતની આકરી ટીકા કરી છે. કેન્દ્રના પર્યાવરણ, જંગલ, ક્લાયમેટ ચેન્જ ખાતાઓના પ્રધાન સુપ્રિયોએ ટ્વીટમાં લખ્યું હતું કે પોતે વિહારીના પ્રયાસોથી નિરાશ થયા છે. એમણે વિહારીને બદલે બિહારી લખ્યું છે. એમણે લખ્યું કે, ‘109 બોલમાં માત્ર 7 રન કરીને ‘હનુમા બિહારી’એ ભારત માટે ઐતિહાસિક જીતની તક ગુમાવી દીધી એટલું જ નહીં, પણ ક્રિકેટની રમતની હત્યા પણ કરી નાખી… જીતનો વિકલ્પ, જરાસરખો પણ ધ્યાનમાં ન રાખવો એ ગુનાઈત બાબત કહેવાય. ખાસ નોંધઃ મને ક્રિકેટ વિશે જરાય સમજ પડતી નથી.’
હનુમા વિહારીએ સુપ્રિયોના તે ટ્વીટના જવાબમાં માત્ર એક ટોણો જ માર્યો છે કે, ‘હનુમા વિહારી, બિહારી નહીં.’ અશ્વિને પોતાના ટ્વિટર હેન્ડલ પર સુપ્રિયોને આપેલા જવાબમાં માત્ર આટલું જ લખ્યું છેઃ ‘ROFLMAX’ (અર્થાત, પેટ પકડીને હસવું આવ્યું). અનેક ટ્વિટરયૂઝર્સે પણ બાબુલ સુપ્રિયોની જુદી જુદી રીતે આકરી ટીકા કરી છે. ઉલ્લેખનીય છે કે, ઈજાને કારણે હનુમા વિહારી આવતા શુક્રવારથી બ્રિસ્બેનમાં શરૂ થનાર પાંચમી ટેસ્ટ મેચમાં રમી શકવાનો નથી. તે મેચમાં અશ્વિન પણ રમી શકશે કે કેમ એ વિશે શંકા છે.