મુંબઈઃ અફઘાનિસ્તાનના પશ્ચિમ ભાગમાં આવેલા હેરાત, ફરાહ અને બાદઘીસ પ્રાંતોમાં ગઈ કાલે આવેલા 6.2ની તીવ્રતાના ભીષણ ધરતીકંપમાં વ્યાપક વિનાશ થયો છે. 2,000થી વધારે લોકો માર્યા ગયા છે.
આ દેશની ટીમ હાલ ભારતમાં રમાતી વર્લ્ડ કપ-2023માં રમી રહી છે. પોતાના દેશમાં આવેલી આ ભયાનક કુદરતી આફતના સમાચાર જાણીને અફઘાનિસ્તાનના ક્રિકેટરો દુઃખી થઈ ગયા છે. એમનો સ્પિન બોલર રાશિદ ખાન ખૂબ જ વ્યથિત થયો છે. તેણે જાહેરાત કરી છે કે પોતાને વર્લ્ડ કપ સ્પર્ધામાં રમવાથી મળનારી સંપૂર્ણ મેચ ફી પોતે દેશના ભૂકંપગ્રસ્તોની મદદ માટે દાનમાં આપી દેશે. પોતાના અધિકૃત ટ્વિટર એકાઉન્ટ પર એણે જણાવ્યું છે કે, ‘અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપથી મને ખૂબ જ દુઃખ થયું છે. હું અસરગ્રસ્તોની મદદ માટે મારું બધા પ્રયત્ન સમર્પિત કરું છું. ક્રિકેટ વર્લ્ડ કપની મેચ ફી દાનમાં કરી દઉં છું. અમે ટૂંક સમયમાં જ એક ફંડ રેઝિંગ ઝુંબેશ શરૂ કરીશું, જે દ્વારા અમે પીડિતોની શક્ય એટલી મદદ કરીશું.’