બેંગલુરુ – ભારતે તેની વિજયકૂચ જાળવી રાખીને ઓસ્ટ્રેલિયાને પણ વન-ડે ઈન્ટરનેશનલ સિરીઝમાં હરાવી દીધું છે. આજે અહીં ચિન્નાસ્વામી મેદાન પર રમાઈ ગયેલી ત્રીજી અને સિરીઝની આખરી, નિર્ણાયક વન-ડે મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 7-વિકેટથી પરાજય આપીને સિરીઝ 2-1થી જીતી લીધી છે. ભારતીય ટીમે આ પહેલાં ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાને પછડાટ આપી હતી.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી અને પોતાના હિસ્સાની 50 ઓવરમાં 9 વિકેટના ભોગે 286 રન કર્યા હતા. ભારતે એના જવાબમાં રોહિત શર્માની સેન્ચુરી (119, 8 ફોર, 6 સિક્સ), કેપ્ટન વિરાટ કોહલીના લડાયક 89 રન (8 ફોર), શ્રેયસ ઐયરના અણનમ 44 રન (6 ફોર, 1 સિક્સ), મનીષ પાંડે અણનમ 8 (2 ફોર) મદદથી 47.3 ઓવરમાં 3 વિકેટના ભોગે 289 રન કરીને મેચ જીતી લીધી હતી.
ભારતના આ વિજયમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો પણ મહત્ત્વનો ફાળો રહ્યો છે, જેણે તેના હિસ્સાની 10 ઓવરમાં 63 રન આપીને 4 વિકેટ લીધી હતી. જેમાં સ્ટીવન સ્મીથ (131)ની કિંમતી વિકેટનો પણ સમાવેશ થાય છે.
69 રનની ઉપયોગી ઓપનિંગ ભાગીદારી બાદ લોકેશ રાહુલ 19 રન કરીને આઉટ થયા બાદ રોહિત શર્મા અને કોહલીએ બીજી વિકેટ માટે 137 રનની તોતિંગ ભાગીદારી બનાવી હતી જેને કારણે ભારતની જીત શક્ય બની.
69 રનની ઉપયોગી ઓપનિંગ ભાગીદારી બાદ લોકેશ રાહુલ 19 રન કરીને આઉટ થયા બાદ રોહિત શર્મા અને કોહલીએ બીજી વિકેટ માટે 137 રનની તોતિંગ ભાગીદારી બનાવી હતી જેને કારણે ભારતની જીત શક્ય બની.
224મી વન-ડે મેચ રમતા રોહિત શર્માએ તેની કારકિર્દીની 29મી સદી ફટકારી હતી અને કારકિર્દીમાં 9000 રન પૂરા કર્યા હતા.
કોહલીએ કારકિર્દીની 57મી હાફ સેન્ચુરી ફટકારી હતી. એ પણ સદી ફટકારે એવું લાગતું હતું, પણ હેઝલવૂડની બોલિંગમાં બોલ્ડ થયો હતો. કોહલી આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 274 રન હતો અને ભારત જીતના દ્વારે પહોંચી ગયું હતું.
ઓસ્ટ્રેલિયાના દાવમાં, સ્ટીવન સ્મીથને સાથ મળ્યો હતો માર્નસ લેબુશેન (54)નો. વિકેટકીપર એલેક્સ કેરીએ 35 રન કર્યા હતા. ધરખમ ઓપનર ડેવિડ વોર્નર (3)ને શમીએ આઉટ કર્યા બાદ કેપ્ટન આરોન ફિન્ચ (19)ને જાડેજા, ઐયર અને શમીની ત્રિપુટીએ સંયુક્ત મહેનત કરીને રનઆઉટ કર્યો હતો.
રોહિત શર્માને ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને કેપ્ટન વિરાટ કોહલીને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ ઘોષિત કરવામાં આવ્યો છે.