મુંબઈ મેરેથોનમાં હૃદયરોગના હુમલાને કારણે દોડવીરનું અવસાન

મુંબઈ – અહીં આજે વાર્ષિક મુંબઈ મેરેથોન 2020નું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ એ દરમિયાન 64 વર્ષના એક દોડવીરનું હૃદય ઓચિંતું બંધ પડી જવાને કારણે અવસાન થયું હતું.

મૃત્યુ પામેલા દોડવીરનું નામ ગજાનન મલજાલકર છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ દક્ષિણ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશનની બહાર લીલી ઝંડી બતાવીને મેરેથોન રેસનો શુભારંભ કર્યો હતો.

ગજાનન મલજાલકર

ગજાનન મલજાલકરે સિનિયર સિટીઝન્સના વર્ગમાં ભાગ લીધો હતો. ચાર કિલોમીટર અંતર દોડ્યા બાદ એ જમીન પર ફસડાઈ પડ્યા હતા. આયોજકો એમને ઉપચાર માટે ઝડપથી બોમ્બે હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ત્યાં ડોક્ટરોએ એમને મૃત લાવેલા ઘોષિત કર્યા હતા.

એટલું જ નહીં, રસ દરમિયાન અન્ય 3 રનરને હાર્ટ એટેક આવ્યો હતો. એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અન્ય જે લોકોને હાર્ટ એટેક આવ્યો હતો એમાંના એક છે હિમાંશુ ઠક્કર (40) તથા બીજાનું નામ જાણવા મળ્યું નથી, એમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. હિમાંશુ ઠક્કર પર એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.

પુરુષોના વર્ગમાં ડેરારા હરિસા, મહિલાઓનાં વર્ગમાં અમાને બેરિસો વિજયી

આ વખતની રેસમાં ઈથિયોપીયાના ડેરારા હરિસા નામના દોડવીરે ઈન્ટરનેેશનલ એલિટ ફૂલ મેરેથોનમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરીને પહેલું ઈનામ જીત્યું છે. બીજા ક્રમે આવ્યો હતો એયલ એબ્સેરો અને ત્રીજા ક્રમે આવ્યો હતો બિરહાનૂ ટેશોમ.

આ ત્રણેય દોડવીરોએ 2 કલાક અને 8 મિનિટ 35 સેકંડ સમયના જૂના વિક્રમને તોડી નાખ્યો છે.

મહિલાઓનાં વર્ગમાં અમાને બેરિસો પહેલા નંબર પર રહી. બીજા નંબરે રોડા જેપકોરિર અને ત્રીજા નંબર પર હેવન હાઈકૂ રહી.

આજની રેસ વખતે બોલીવૂડની અનેક હસ્તીઓ તથા મહારાષ્ટ્રના અનેક નેતાઓએ પણ હાજરી આપી હતી. ફિલ્મી સિતારાઓમાં ટાઈગર શ્રોફ, રાહુલ બોઝ, મિલિંદ સોમણ, ગીતકાર ગુલઝારનો સમાવેશ થાય છે. ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ પણ વર્ષની માફક આ વખતે પણ રેસમાં ભાગ લીધો હતો.

ઈન્ડિયન એલિટ મેન્સ ફૂલ મેરેથોનમાં શ્રીનૂ બુગાથા પહેલો આવ્યો હતો જ્યારે મહિલાઓનાં વર્ગમાં સુધા સિંહ સતત ત્રીજા વર્ષે પહેલી આવી હતી.