હાર્દિક પટેલ 24મી સુધી કસ્ટડીમાં; પ્રિયંકાએ ભાજપની ઝાટકણી કાઢી

અમદાવાદ – રાજદ્રોહના કેસમાં કોંગ્રેસી નેતા હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી છે અને એમને સ્થાનિક કોર્ટે 24 જાન્યુઆરી સુધી અદાલતી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.

હાર્દિક પટેલને શનિવારે રાતે અમદાવાદ જિલ્લાના વિરમગામમાંથી પકડવામાં આવ્યા હતા. 2015ની સાલમાં કરવામાં આવેલા રાજદ્રોહના કેસમાં તેઓ ટ્રાયલ કોર્ટ સમક્ષ હાજર ન થતાં એમની ધરપકડ કરવામાં આવી હતી.

હાર્દિકે 2015ની 25 ઓગસ્ટે અમદાવાદમાં યોજેલી એક રેલી દરમિયાન હિંસા ફાટી નીકળ્યા બાદ સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચે એમની સામે રાજદ્રોહનો કેસ નોંધ્યો હતો અને ત્યારે એમની ધરપકડ કરી હતી.

હાર્દિકને 2016ના જુલાઈમાં જામીન મંજૂર કરવામાં આવ્યા હતા અને 2018ના નવેંબરમાં કોર્ટે એમની સામે તથા અન્ય આરોપીઓ સામે આરોપ માન્ય રાખ્યા હતા.

પાટીદાર સમાજના નેતા હાર્દિકના વકીલે નોંધાવેલી માફીની અરજી વિરુદ્ધ ગુજરાત સરકારે નોંધાવેલી અરજીનો શનિવારે એડિશનલ સેશન્સ જજ બી.જી. ગણાત્રાએ સ્વીકાર કર્યા બાદ હાર્દિકની ધરપકડનું વોરંટ બહાર પાડ્યું હતું. ફરિયાદી પક્ષે કોર્ટમાં જણાવ્યું હતું કે કોર્ટમાં પ્રત્યક્ષ હાજર રહેવામાંથી નિયમિત રીતે મુક્તિ માગીને કેસના મુકદ્દમાને વિલંબમાં નાખવાનો આરોપી હાર્દિક પટેલનો ઈરાદો છે.

કોર્ટે એવું અનુમાન વ્યક્ત કર્યું હતું કે આ કેસમાં હાર્દિક પટેલની ઉલટતપાસ લેવાની રહેશે અને મુકદ્દમાને વિલંબમાં નાખવાના ઈરાદા સાથે નિયમિત રીતે કોર્ટમાં ગેરહાજર રહીને એમણે જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યું છે.

ભાજપ હાર્દિક પટેલને પરેશાન કરે છેઃ પ્રિયંકા ગાંધીનો આરોપ

દરમિયાન કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ કહ્યું છે કે એમની પાર્ટીના નેતા હાર્દિક પટેલને ભારતીય જનતા પાર્ટી સતત પરેશાન કરી રહી છે.

પ્રિયંકાએ ટ્વીટ કરીને કહ્યું છે કે, હાર્દિક પટેલ કિસાનોનાં અધિકારો તથા યુવાવ્યક્તિઓને રોજગાર અપાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, પણ ભાજપા એને સતત પરેશાન કરી રહી છે. હાર્દિક પોતાના સમાજનાં લોકો માટે અવાજ ઉઠાવે છે, એમને માટે નોકરી તથા શિષ્યવૃત્તિની માગણી કરી રહ્યા છે. એ કિસાન આંદોલનને આગળ વધારી રહ્યા છે. પણ ભાજપ એમને દેશદ્રોહનું નામ આપી રહી છે.