ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે વળતી લડત આપતાં 302/7: રૂટની સદી

રાંચીઃ ભારત-ઇંગ્લેન્ડની વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સિરીઝની ચોથી મેચ રાંચીના GSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સમાં આજથી શરૂ થઈ છે. દિવસના અંતે ઇંન્ગ્લેન્ડે સાત વિકેટે 302 રન બનાવી લીધા છે. જો રૂટ 106 અને ઓલી રોબિન્સન 31 રન સાથે ક્રીઝ પર ઊભા છે. બંનેની વચ્ચે 57 રનની ભાગીદારી થઈ છે. છેલ્લા સેશનમાં બે વિકેટ પડી હતી.

ઇંગ્લેન્ડે ટોસ જીતીને બહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે ઇંગ્લેન્ડે લંચ બ્રેક સુધી 24.1 ઓવરમાં પાંચ વિકેટ 112 રનમાં ગુમાવી દીધી હતી. જેક ક્રોલીએ 42, જોની બેરિસ્ટોએ 38, બેન ડકેટ 11 અને બેન સ્ટોક્સ ત્રણ રન બનાવીને આઉટ થયા હતા.

ફાસ્ટ બોલર આકાશ દીપે ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યું હતું. કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માએ રાંચી ટેસ્ટ મેચમાં અનુભવી બોલર જસપ્રીત બુમરાહને આરામ આપવાનો નિર્ણય કર્યો હતો. આ મેચનું પહેલું સેશન ભારતને નામ રહ્યું હતું, જેમાં બુમરાહની જગ્યાએ આવેલા આકાશદીપને ત્રણ વિકેટ મળી હતી. જ્યારે જાડેજા અને અશ્વિનને એક-એક વિકેટ મળી હતી.  આકાશ દીપે ઈંગ્લેન્ડના ટોપ-3 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. મોહમ્મદ સિરાજને બે સફળતા મળી.  જ્યારે કુલદીપ યાદવ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો.

જો રૂટે સદી ફટકારી

ઇંગ્લિશ બેટ્સમેનો નિયમિત અંતરે પેવેલિયન પરત ફરતા રહ્યા, ત્યારે જો રૂટ મક્કમતાથી એક છેડો સાચવીને રમી રહ્યો હતો. બેન ફોક્સ ઉપરાંત જો રૂટે નીચલા ક્રમના બેટ્સમેનો સાથે ઉપયોગી ભાગીદારી કરી અને ટીમના સ્કોરને સન્માનજનક સ્કોર સુધી લઈ ગયો હતો.