લંડનઃ ઈંગ્લેન્ડ સામે સિરીઝ રમવા આવેલી ભારતીય ક્રિકેટ ટીમના 23માંના બે સભ્યનો કોરોનાવાઈરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. એક અન્ય ખેલાડીને હોમ આઈસોલેશનમાં રખાયો છે જ્યારે બીજો એક જણ કોરોનાથી સાજો થઈ ગયો છે. એએનઆઈ સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, તે ભારતીય ખેલાડી ઈંગ્લેન્ડમાં એના એક સંબંધીના ઘરમાં હોમ આઈસોલેશનમાં છે.
જોકે આ સમાચારને હજી સુધી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) તરફથી સત્તાવાર રીતે સમર્થન આપવામાં આવ્યું નથી. એક સૂત્રએ સમાચાર સંસ્થાને નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે ભારતીય ટીમ વિશે ચિંતા કરવા જેવું કંઈ નથી. એક ખેલાડી કોરોના-પોઝિટીવ થયો હતો, પણ હવે એનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે જ્યારે અન્ય એક ખેલાડીનો ટેસ્ટ આવતા રવિવારે લેવામાં આવશે. એ હાલ હોમ આઈસોલેશનમાં છે. ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામે આવતી 4 ઓગસ્ટથી પાંચ ટેસ્ટમેચોની શ્રેણી રમવાની છે. પહેલી ટેસ્ટ નોટિંઘમના ટ્રેન્ટ બ્રિજ મેદાન પર રમાશે.
