વિમ્બલડન-2021ની બે મેચમાં મેચ-ફિક્સિંગ થયું હતું?

લંડનઃ જર્મનીના એક અખબારે હાથ ધરેલી એક તપાસમાં એને માલૂમ પડ્યું હતું કે આ વર્ષની વિમ્બલડન ટેનિસ સ્પર્ધામાં બે મેચમાં મેચ-ફિક્સિંગ થયું હતું અને એ બાબતમાં હાલ તપાસ ચાલુ છે. અખબારે એમ પણ કહ્યું છે કે સ્પર્ધાની મેચો દરમિયાન અનેક ચોક્કસ પ્રકારની અને શંકાસ્પદ બેટ (શરતો) લગાડવામાં આવ્યા બાદ એ વિશે તપાસ શરૂ કરાઈ છે.

‘દાઈ વેઈત’ નામના અખબારના અહેવાલ અનુસાર, વિમ્બલડન સ્પર્ધામાં મેન્સ ડબલ્સ હરીફાઈના પહેલા રાઉન્ડની એક મેચ વિશે શંકા વ્યક્ત કરાઈ છે. એક જોડીની ફેવર કરવામાં આવી હતી અને અનિયમિત સમયે એની વિરુદ્ધ મોટા પાયે લાઈવ બેટ્સ લગાડવામાં આવી હતી. એ જોડી મેચમાં પહેલો સેટ જીતી હતી. એને પગલે એમની જીતના ભાવ વધી ગયા હતા, પરંતુ જોડી ત્યારપછીના ત્રણ સેટ હારી ગઈ હતી. અન્ય મેચમાં, બીજો સેટ પૂરો થયા બાદ ત્રીજા સેટમાં ચોક્કસ સ્કોર ઉપર મોટા પાયે બેટ્સ લગાડવામાં આવી હતી. આખી મેચમાં ખેલાડીની સર્વિસની મહત્તમ સંખ્યા ઉપર પણ ઘણી સ્પેશિયલ બેટ્સ લગાડવામાં આવી હતી. એ બંને બેટ્સ આખરે સાચી પડી હતી. ટેનિસની રમતમાં ભ્રષ્ટાચાર અને મેચ-ફિક્સિંગની પ્રવૃત્તિઓ વિરુદ્ધ દેખરેખ રાખતી ઈન્ટરનેશનલ ટેનિસ ઈન્ટીગ્રિટી એજન્સીએ એની તપાસ વિશેની કોઈ માહિતી હજી બહાર પાડી નથી.