નવી દિલ્હીઃ લૈંગિક શોષણના વિરોધમાં ન્યાય માટે આંદોલન કરી રહેલી મહિલા કુસ્તીબાજો પ્રત્યે એક તરફ કેન્દ્ર સરકાર દુર્લક્ષ સેવી રહી છે ત્યારે બીજી બાજુ, કુસ્તીબાજોને દેશભરમાંથી વધુ ને વધુ સમર્થન મળી રહ્યું છે. 1983માં પ્રુડેન્શિયલ વર્લ્ડ કપ સ્પર્ધા જીતનાર કપિલ દેવ અને એમની ટીમના સાથીઓએ એક નિવેદન બહાર પાડ્યું છે. એમાં તેમણે માગણી કરી છે કે કુસ્તીબાજોની ફરિયાદ પર કેન્દ્ર સરકાર ત્વરિત ધ્યાન આપે.
કુસ્તીબાજોને ટેકો આપનાર આ ભૂતપૂર્વ ક્રિકેટરોમાં કપિલ દેવ, સુનીલ ગાવસકર, મદનલાલ, દિલીપ વેંગસરકર વગેરેનો સમાવેશ થાય છે. એમણે નિવેદનમાં એમ પણ લખ્યું છે કે, ‘મેડલવિજેતા કુસ્તીબાજો સાથે પોલીસોએ જે રીતે ગેરવર્તન કર્યું તે અસ્વસ્થ કરનારું છે. ખૂબ મહેનત કરીને જીતેલા મેડલ્સ ગંગા નદીમાં પધરાવી દેવાનો કુસ્તીબાજોને જે નિર્ણય લેવો પડ્યો છે તે વેદનાદાયી છે.’
ક્રિકેટરોએ આંદોલનકારી કુસ્તીબાજોને વિનંતી કરી છે કે તેઓ સંયમ જાળવી રાખે. ‘તમે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેશો નહીં. તમારી ફરિયાદ સાંભળવામાં આવશે એવી અમને આશા છે. કાયદા પર વિશ્વાસ રાખવો જોઈએ.’
દેશના અગ્રગણ્ય મહિલા અને પુરુષ કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા અને ભાજપના સંસદસભ્ય બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ આંદોલને ઉતર્યાં છે. તેમણે બ્રિજભૂષણ વિરુદ્ધ જાતીય સતામણીના આરોપો કર્યા છે અને એમની પાસેથી રાજીનામું લઈ લેવાય એવી માગણી કરી છે.