કપિલ દેવથી લઈને એમએસ ધોની અને મિતાલી રાજ સુધીના દિગ્ગજ ક્રિકેટરોના જીવનચરિત્ર પર ફિલ્મો બનાવવામાં આવી છે. હવે આ યાદીમાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું નામ પણ ઉમેરવામાં આવી રહ્યું છે. મીડિયા સાથે વાત કરતી વખતે, ગાંગુલીએ પોતે પુષ્ટિ આપી છે કે તેમના જીવન પર બાયોપિક બનવા જઈ રહી છે અને રાજકુમાર રાવ તેમની ભૂમિકા ભજવશે. સૌરવ ગાંગુલીની ભૂમિકા માટે આયુષ્માન ખુરાના, રણબીર કપૂર અને પ્રોસેનજીત ચેટર્જી જેવા નામો સામે આવ્યા હતા.
એક મીડિયા ઇન્ટરવ્યુમાં, સૌરવ ગાંગુલીએ તેમની બાયોપિકની પુષ્ટિ કરતા કહ્યું, “જ્યાં સુધી મેં સાંભળ્યું છે, રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકા ભજવશે, પરંતુ તારીખોને લગતી કેટલીક સમસ્યાઓ છે. તેથી ફિલ્મને સ્ક્રીન પર આવવામાં એક વર્ષથી વધુ સમય લાગી શકે છે.”
સૌરવ ગાંગુલીની શાનદાર કારકિર્દી
સૌરવ ગાંગુલી ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટનોમાંના એક રહ્યા છે. તેમની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઈન્ડિયા 2002 ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીની સંયુક્ત વિજેતા બની અને તેમના નેતૃત્વમાં, ભારત 2003 ના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું. ગાંગુલી ODI ક્રિકેટ ઇતિહાસમાં નવમા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે. તેમણે પોતાની વનડે કારકિર્દીમાં ૧૧,૩૬૩ રન બનાવ્યા. આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ રનની વાત કરીએ તો, ગાંગુલીએ પોતાની કારકિર્દીમાં ૧૮,૫૭૫ રન બનાવ્યા હતા.
આ ભારતીય ક્રિકેટરો પર બાયોપિક બની છે
સૌરવ ગાંગુલીની બાયોપિકની રિલીઝ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. તેમના પહેલા એમએસ ધોની, મોહમ્મદ અઝહરુદ્દીન, કપિલ દેવ, પ્રવીણ તાંબે અને મિતાલી રાજ પર પણ બાયોપિક બની ચૂકી છે. સચિન તેંડુલકરના જીવન પરની એક દસ્તાવેજી ફિલ્મ પણ રિલીઝ થઈ છે. સૌરવ ગાંગુલી ઉપરાંત યુવરાજ સિંહની બાયોપિક પર પણ કામ ચાલી રહ્યું છે, પરંતુ તેની રિલીઝ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
