48 કલાકમાં ટિકિટ ફ્રીમાં રદ થશે, ૨૧ દિવસમાં સંપૂર્ણ રિફંડ મળશે!

નવી દિલ્હી: હવાઈ મુસાફરીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે (DGCA) હવાઈ મુસાફરીમાં કેટલાક નિયમોમાં સુધારો કરવાની તૈયારી કરતાં પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ મહત્વપૂર્ણ ફેરફારો હેઠળ, હવાઈ મુસાફરો ટૂંક સમયમાં બુકિંગના 48 કલાકની અંદર તેમની ટિકિટ રદ કરી શકશે અથવા ફેરફાર કરી શકશે, અને તે કોઈ પણ પ્રકારના વધારાના શુલ્ક વિના. આ પ્રસ્તાવમાં રિફંડ સંબંધિત મહત્વપૂર્ણ વિગતો પણ સામેલ છે.

ફ્લાઇટ ટિકિટ કેન્સલેશન મફત!

એવિએશન રેગ્યુલેટર DGCA એ એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેમાં ફ્લાઈટ ટિકિટ કેન્સલેશન અને રિફંડ સંબંધિત નિયમોમાં ફેરફારનો સમાવેશ થાય છે. DGCAના પ્રસ્તાવ હેઠળ, હવાઈ મુસાફરોને ટૂંક સમયમાં બુકિંગના 48 કલાકની અંદર કોઈ પણ વધારાના શુલ્ક વિના તેમની ટિકિટ કેન્સલ કરવાની અથવા મુસાફરીની તારીખ બદલવાની મંજૂરી આપવામાં આવી શકે છે. પ્રસ્તાવ મુજબ, ટિકિટ કેન્સલ થયા પછી રિફંડની રકમ એરલાઇનના ક્રેડિટ શેલ/વોલેટમાં જમા કરવાની પસંદગી મુસાફરની રહેશે, ડિફોલ્ટ પ્રથા અનુસરવામાં આવશે નહીં.

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ રિફંડ અને કેન્સલેશન અંગે હવાઈ મુસાફરોને લાંબા સમયથી નડતી મુશ્કેલીઓને સરળ બનાવવા માટે આ ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે. નવા પ્રસ્તાવમાં મુસાફરોને બુકિંગ બાદ 48 કલાકનો ‘લુક-ઇન’ સમયગાળો મળશે. જે દરમિયાન તેઓ કોઈ પણ નોંધપાત્ર ફી લીધા વિના તેમની ટિકિટ કેન્સલ કરી શકે છે અથવા તેમાં ફેરફાર કરી શકે છે. હાલમાં, વિવિધ એરલાઇન્સ ટિકિટ કેન્સલ કરવા માટે પોતાની નિર્ધારિત ફી વસૂલે છે.

21 દિવસની અંદર સંપૂર્ણ રિફંડ

DGCA એ ટિકિટ રદ કરવા અને રિફંડના નિયમોમાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે. જો ટિકિટ ટ્રાવેલ એજન્ટ/પોર્ટલ દ્વારા ખરીદવામાં આવી હોય, તો પણ એરલાઇન્સ રિફંડ માટે જવાબદાર રહેશે. આવા એજન્ટો એરલાઇન્સના નિયુક્ત પ્રતિનિધિઓ છે. એરલાઇન્સ ખાતરી કરશે કે રિફંડ પ્રક્રિયા 21 કાર્યકારી દિવસોમાં પૂર્ણ થાય.

હાલમાં આ સુધારો ડ્રાફ્ટિંગમાં

ફ્લાઈટ ટિકિટ રિફંડ સંબંધિત નાગરિક ઉડ્ડયન આવશ્યકતાઓ (CAR)માં આ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. 30 નવેમ્બર સુધી તેના માટે ભલામણો માંગવામાં આવી છે. હવાઈ મુસાફરો અને ગ્રાહક અધિકાર જૂથો લાંબા સમયથી છેલ્લી ઘડીના ફેરફારો માટે વસૂલવામાં આવતાં ઊંચા ચાર્જની ટીકા કરી રહ્યા છે. તેને તેઓ હિડન પેનલ્ટી તરીકે ઓળખાવી રહ્યા છે. આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને DGCAનું આ પગલું અર્થપૂર્ણ ઉકેલ લાવી શકે છે. જો કે આ સુધારો હજુ ડ્રાફ્ટ તબક્કામાં છે, તેના અમલીકરણથી ભારતીય પ્રવાસીઓ એરલાઇન ટિકિટિંગ સિસ્ટમમાં કેવા ફેરફારો આવશે તે જોવાનું રહેશે.