સોનમ વાંગચુકની ધરપકડ, લેહમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ

નવી દિલ્હીઃ પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકની ધરપકડ કરવામાં આવી છે. લદ્દાખને રાજ્યનો દરજ્જો અપાવવાની માગ સાથે કરાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન બુધવારે પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, તેમાં ચાર લોકોનાં મોત થયાં હતાં અને 80 લોકો ઘાયલ થયા હતા. ગૃહ મંત્રાલયે આ હિંસા માટે વાંગચુકને જવાબદાર ઠેરવ્યા છે.ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે વાંગચુકે નેપાળમાં થયેલા Gen Z વિરોધ પ્રદર્શનોનો ઉલ્લેખ કરીને લોકોને ગેરમાર્ગે દોર્યા હતા.

FCRA લાયસન્સ રદ

ગૃહ મંત્રાલયે કડક વલણ અપનાવતાં ગુરુવારે સોનમ વાંગચુક દ્વારા બનાવવામાં આવેલી NGO સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મુવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL)નું FCRA લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરી દીધું હતું. વાંગચુકે  જણાવ્યું હતું કે તેઓ NGO માટે માત્ર દાતા છે અને ત્યાં ભણાવે છે. મંત્રાલયે આ કાર્યવાહી NGOના ખાતાઓમાં મળી આવેલી અનેક ગેરરીતિઓને આધારે કરી હતી, જેમાં સ્વીડનથી થયેલા મની ટ્રાન્સફર પણ સામેલ હતા. ગૃહ મંત્રાલયે તેને રાષ્ટ્રીય હિતો સામેનું ગણાવ્યું છે.

ભાજપ કચેરીમાં આગ લગાવી

પ્રદર્શનકારીઓએ બુધવારે પોલીસ અધિકારીઓ પર પથ્થરમારો કર્યો હતો અને ભાજપની કચેરીમાં આગ લગાવી દીધી હતી. પોલીસે ભીડને છટકાવવા માટે ટિયર ગેસના શેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો.

વાંગચુકે વ્યક્ત કરી હતી જેલમાં નાખવાની આશંકા

વાંગચુકે આક્ષેપ કર્યો હતો કે સરકાર તેમને જેલમાં મૂકવા માટે તેમના વિરુદ્ધ કેસ બનાવી રહી છે. વાંગચુકના નેતૃત્વમાં લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની માગ સાથે આંદોલન ચાલી રહ્યું છે.

વાંગચુકે કહ્યું હતું કે હું જોઈ રહ્યો છું કે તેઓ મારા પર જન સુરક્ષા અધિનિયમ હેઠળ કેસ ચલાવીને મને બે વર્ષ માટે જેલમાં મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું તેની તૈયારી રાખું છું, પરંતુ સોનમ વાંગચુકને આઝાદ રાખવાથી જેટલી સમસ્યાઓ નથી, એટલી તેમને જેલમાં મૂકવાથી થઈ શકે છે.