અમદાવાદઃ રક્ષાબંધન અને શ્રાવણી પૂર્ણિમાના પરમ પવિત્ર પર્વે એસજીવીપી ગુરુકુલ સ્થિત દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે વૈદિક પરંપરા અને આધ્યાત્મિક ઊર્જાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. ગુરુવર્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પાવન પ્રેરણાથી ઋષિકુમારો દ્વારા પુરાતન જ્ઞાન-સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વૈદિક ઉપાકર્મ વિધિ’ અને નૂતન યજ્ઞોપવીત ધારણ મહોત્સવ શ્રદ્ધાભેર સંપન્ન થયો હતો.

શાસ્ત્રોક્ત દશવિધ સ્નાનથી આત્મશુદ્ધિ યજુર્વેદી, ઋગ્વેદી અને અથર્વવેદી પરંપરા મુજબ યોજાયેલા આ અનુષ્ઠાનનો પ્રારંભ પવિત્ર દશવિધ સ્નાનથી થયો હતો. ઋષિકુમારોએ ગૌમૂત્ર, ગોમય (ગાયનું છાણ), હરિદ્રા (હળદર), ઔષધિઓ, ફળ, તલ, ધાન્ય, દર્ભ, મૃત્તિકા અને સુવર્ણ જેવા દસ પવિત્ર દ્રવ્યો વડે શરીર અને અંતઃકરણની વિશુદ્ધિ કરી હતી. સવા લાખ ગાયત્રી મંત્રથી મંત્રિત જનોઈ ધારણ સ્નાનવિધિ બાદ વેદમાતા ગાયત્રી તેમ જ સપ્તર્ષિઓની વિશેષ આરાધના કરવામાં આવી હતી. નૂતન યજ્ઞોપવીતમાં નવ તંતુ દેવતાઓનું આહ્વાન કરી, સવા લાખ ગાયત્રી મંત્રોના સામૂહિક જપના પ્રભાવથી સિદ્ધ કરાયેલી નવીન યજ્ઞોપવીત ધારણ કરવામાં આવી હતી.

જેમ સર્પ જૂની કાંચળીનો ત્યાગ કરે છે, તેમ ઋષિકુમારોએ વર્ષ દરમિયાન અજાણતા થયેલા દોષોનો ત્યાગ કરી નવસર્જનનો સંકલ્પ લીધો હતો. આ વિધિ દ્વારા પુનઃ શાસ્ત્રાધ્યયન અને વેદ-સંવર્ધન માટે સમર્પિત થવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કરાયો હતો. ગુરુવર્ય સ્વામીજીના આશીર્વાદ હેઠળ આચાર્યો અને ઋષિકુમારોના ઉત્સાહભેર ભાગીદારીથી સમગ્ર એસજીવીપી પરિસરમાં ગૂંજી ઊઠેલો વેદઘોષ પ્રાચીન ઋષિ-પરંપરાની જીવંતતાની પ્રતીતિ કરાવતો હતો.




