TMC સાંસદ અભિષેક બેનર્જી સહિત મોટા નેતાઓ સામે 3 FIR નોંધાઈ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના કેમેક સ્ટ્રીટ ખાતે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જીની ઓફિસ પર જોખમી રીતે લગાવવામાં આવેલા અનધિકૃત સાઇનબોર્ડ અને હોર્ડિંગ હટાવવા પહોંચેલા કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC)ના અધિકારીઓ અને પોલીસ ટીમ પર હુમલાનો મામલો ગરમાયો છે. સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવા, પોલીસ અને નગરપાલિકાના કર્મચારીઓ સાથે મારપીટ કરવા, જીવલેણ હુમલો કરવા અને સરકારી સાધનો છીનવી લેવાના ગંભીર આરોપોમાં સાંસદ અભિષેક બેનર્જી, રાજ્યસભા સાંસદ ડેરેક ઓ’બ્રાયન, TMC નેતા હુમાયુ કબીર, બૈસ્વાનર ચટ્ટોપાધ્યાય અને અન્ય સમર્થકો સામે કુલ 3 FIR નોંધવામાં આવી છે. આ મામલે પોલીસે 13 TMC કાર્યકરોની ધરપકડ કરી છે.

KMCના ડેપ્યુટી મેનેજરની ફરિયાદ પર કલમ K2 હેઠળ કેસ નોંધાયો

આ કાર્યવાહી કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC)ના જાહેરાત વિભાગના ડેપ્યુટી મેનેજર સુદીપકુમાર બોઝ દ્વારા નોંધાવવામાં આવેલી લેખિત ફરિયાદને આધારે કરવામાં આવી છે. સેક્શન K2 કેસ નંબર 147માં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 191(2), 191(3), 190, 121(1), 351(2), 303(2) અને 3(5) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમાં TMC સાંસદ અભિષેક બેનર્જી, ડેરેક ઓ’બ્રાયન, હુમાયુ કબીર, બૈસ્વાનર ચટ્ટોપાધ્યાય અને તેમના અન્ય સમર્થકોને આરોપી બનાવવામાં આવ્યા છે.

કેમેક સ્ટ્રીટની ઓફિસમાં શું થયું?

પ્રાપ્ત માહિતી મુજબ બપોરે લગભગ ત્રણ વાગ્યે KMCના જાહેરાત વિભાગના અધિકારીઓ પોતાના કર્મચારીઓ અને પોલીસ દળ સાથે કેમેક સ્ટ્રીટ સ્થિત 9, કેમેક સ્ટ્રીટ (કોલકાતા-17) ખાતે આવેલી ઇમારતમાં પહોંચ્યા હતા. નગરપાલિકા સત્તાવાળાઓ દ્વારા ઇમારતના સૌથી ઉપરના માળે જોખમી રીતે લટકતા વિશાળ હોર્ડિંગ/સાઇનબોર્ડને હટાવવાનો સત્તાવાર આદેશ આપવામાં આવ્યો હતો. જ્યારે નગરપાલિકાની ટીમ અને પોલીસ દળ પોતાની સત્તાવાર ફરજ બજાવવા ત્યાં પહોંચ્યા, ત્યારે આરોપી નેતાઓ અને તેમના સમર્થકોએ ગેરકાયદેસર રીતે ટોળું એકત્ર કરીને KMCના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓનો રસ્તો રોકી દીધો હતો.

;

પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સાથે હુમલો

નોંધાયેલી ફરિયાદ અનુસાર આરોપી પક્ષ દ્વારા KMCના અધિકારીઓ અને ફરજ પર હાજર પોલીસ કર્મચારીઓ સામે બળપ્રયોગ કરવામાં આવ્યો અને તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી, જેને કારણે કેટલાક કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત, સરકારી અધિકારીઓ દ્વારા કામગીરી દરમિયાન ઉપયોગમાં લેવાતા સાધનો અને ઉપકરણો પણ છીનવી લેવામાં આવ્યાં હતાં અને તેમને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપવામાં આવી હતી.