ઈન્ડિયા ગઠબંધનમાં મતભેદઃ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ સામસામે

નવી દિલ્હીઃ રાષ્ટ્રગીત વંદે માતરમના તમામ છ અંતરા ગાવાને લઈને ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ બે પક્ષોનેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસવચ્ચે વિવાદ ઊભો થયો છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના મહાસચિવ (સંગઠન) કે.સી. વેણુગોપાલે બુધવારે નેશનલ કોન્ફરન્સને કહ્યું હતું કે રાષ્ટ્રગીતના માત્ર પ્રથમ બે અંતરા ગાવાને મુદ્દે તે ઈન્ડિયા ગઠબંધન સાથે ઊભી રહે.શું થયું હતું?

શ્રીનગરમાં જમ્મુ-કાશ્મીરના પ્રથમ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મંત્રી ઉમર અબદુલ્લા અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબદુલ્લાની હાજરીમાં વંદે માતરમના તમામ છ અંતરા ગાવામાં આવ્યા હતા.

વેણુગોપાલે શું કહ્યું?

વેણુગોપાલે ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે વંદે માતરમનું સંપૂર્ણ સંસ્કરણ તે સંયુક્ત અને વૈવિધ્યસભર વિચારધારા સાથે સુસંગત નથી, જેની કલ્પના આપણા સ્વતંત્રતા સેનાનીઓએ ભારત માટે કરી હતી અને જેને તેમણે આગળ વધારી હતી. વેણુગોપાલે ફિલ્મ ફેસ્ટિવલમાં ગવાઈ રહેલા ગીતનો એક વિડિયો પણ શેર કર્યો હતો.

તેમણે વધુમાં કહ્યું હતું કે અમારા માટે મહાત્મા ગાંધી, પંડિત નેહરુ, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, રાજેન્દ્ર પ્રસાદ, આચાર્ય નરેન્દ્ર દેવ, મૌલાના આઝાદ, સરોજિની નાયડુ અને જે.બી. કૃપલાણી દ્વારા સમજી-વિચારીને લેવામાં આવેલો નિર્ણય અને તેમાં મોટા પ્રમાણમાં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની સલાહ પણ સામેલ હતી, સૌથી મહત્વપૂર્ણ છે. વેણુગોપાલે કહ્યું હતું કે તે સંસ્કરણ (શરૂઆતનાં બે પદ)ને સમજી-વિચારીને પસંદ કરવામાં આવ્યું હતું, જેથી ગીતને સાંપ્રદાયિક રંગ ન આપી શકાય. આ જોખમ આજે પણ એટલું જ છે જેટલું તે સમયે હતું. તેને જાળવી રાખવાનો અર્થ આપણા ગણતંત્રના બિનસાંપ્રદાયિક અને સમાવેશી સ્વરૂપને જાળવી રાખવાનો છે.

નેશનલ કોન્ફરન્સે આપ્યો વળતો જવાબ

નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય અને મુખ્ય મંત્રી ઉમર અબદુલ્લાના નજીકના સહયોગી તનવીર સાદિકે તેલંગાણાના મુખ્ય મંત્રી એ. રેવંત રેડ્ડી અને કર્ણાટકના મુખ્ય મંત્રી ડી.કે. શિવકુમારના એવા વિડિયો પોસ્ટ કર્યા, જેમાં તેઓ પોતાના સત્તાવાર કાર્યક્રમોમાં વંદે માતરમનું સંપૂર્ણ સંસ્કરણ ગાતા જોવા મળે છે.

સાદિકે વિડિયો પોસ્ટ કરીને સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે જનાબ @TariqKarra સાહેબ, કૃપા કરીને તમારી પાર્ટીના કોંગ્રેસી મુખ્ય મંત્રીઓ પર નજર નાખો અને તમારા કીમતી વિચારો સૌ સાથે શેર કરો. આભાર!