જિનપિંગની ભારત યાત્રા પર ચીનની રહસ્યમય ચૂપકીદી

દિલ્હી ખાતે ૧૧થી ૧૩ સપ્ટેમ્બરે યોજાઈ રહેલી ૧૮મી બ્રિક્સ (BRICS) શિખર પરિષદમાં ભાગ લેવા માટે વિશ્વના અનેક મહાનુભાવો ભારત પહોંચી રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સહિતના નેતાઓની હાજરી નિશ્ચિત થઈ ગઈ છે. પરંતુ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ પરિષદમાં રૂબરૂ હાજર રહેશે કે નહીં તે અંગે ચીને હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.

ચીની વિદેશ મંત્રાલયની ટાળંટોળ

બીજિંગમાં યોજાયેલી પત્રકાર પરિષદ દરમિયાન જ્યારે ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુનને જિનપિંગની ભારત મુલાકાત વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે અત્યંત ટૂંકો અને ગોળગોળ જવાબ આપતાં કહ્યું કે, “તમે પૂછેલા પ્રશ્ન અંગે મારી પાસે અત્યારે આપવા માટે કોઈ ચોક્કસ માહિતી નથી.” ચીન સરકારના આ વલણથી મુત્સદ્દી વર્તુળોમાં અસમંજસની સ્થિતિ નિર્માણ પામી છે.

જો જિનપિંગ આવશે તો ૭ વર્ષ પછી પહેલો ભારત પ્રવાસ થશે

રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ બ્રિક્સ સમિટમાં હાજરી આપવા નવી દિલ્હી આવી શકે છે. જો આ પ્રવાસ શક્ય બનશે તો વર્ષ ૨૦૨૦માં ગલવાન ઘાટીની હિંસક ઝડપ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે આ પ્રથમ વિધિવત દ્વિપક્ષીય બેઠક હશે. આ સાથે જ, છેલ્લા સાત વર્ષોમાં જિનપિંગની આ પ્રથમ ભારત મુલાકાત બની રહેશે. તાજેતરમાં બિશ્કેક ખાતે એસસીઓ (SCO) સમિટમાં બંને નેતાઓએ મંચ શેર કર્યો હતો અને હાથ પણ મિલાવ્યા હતા, પરંતુ કોઈ દ્વિપક્ષીય ચર્ચા થઈ નહોતી.

પૃષ્ઠભૂમિમાં બેકચેનલ રાજદ્વારી વાટાઘાટો

જિનપિંગની સંભવિત મુલાકાત પૂર્વે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે ચીનની મુલાકાત લઈને ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી હતી. આ ઉપરાંત, સરહદી વિવાદોના ઉકેલ માટે ભારત-ચીન સરહદ બાબતો પર સલાહકાર અને સમન્વય કાર્યપ્રણાલી (WMCC) હેઠળ વિશેષ પ્રતિનિધિઓની ચર્ચા પણ હાથ ધરવામાં આવી છે. તેમ છતાં, બંને દેશોના વિદેશ મંત્રાલયો તરફથી મુલાકાત અંગેની સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.