રાજધાની દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત 18મી બ્રિક્સ શિખર પરિષદ (BRICS Summit 2026) ના પ્રથમ દિવસે કૂટનીતિક મંચ પરથી એક ઐતિહાસિક ચિત્ર સામે આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર બ્રિક્સ સમિટની શ્રેણીબદ્ધ તસવીરો શેર કરી છે, જેમાં તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો હાથ થામેલા જોવા મળે છે. ત્રણેય વૈશ્વિક નેતાઓ વચ્ચેનો વ્યક્તિગત તાલમેલ અને હાસ્ય સભર કેમિસ્ટ્રી આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે. છેલ્લાં ત્રણ વર્ષોમાં મોદી, પુતિન અને જિનપિંગની આ ત્રીજી મુલાકાત છે, જે બદલાતા વૈશ્વિક સમીકરણોમાં બ્રિક્સ જૂથની મજબૂત સ્થિતિ દર્શાવે છે.

વડાપ્રધાને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથેની પણ વિશેષ ક્ષણો શેર કરી હતી. આ સમિટમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા, મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ, યુએઈના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન, ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સિસી સહિત સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને ડબલ્યુએચઓ (WHO) ના વડા પણ ભાગ લઈ રહ્યા છે.

ભારતની મોટી કૂટનીતિક જીત: સંયુક્ત જાહેરનામા પર સર્વસંમતિ
ભારતની અધ્યક્ષતામાં યોજાઈ રહેલી આ સમિટની થીમ “બિલ્ડિંગ ફોર રિઝિલિયન્સ, ઈનોવેશન, કોઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી” રાખવામાં આવી છે. વૈશ્વિક આર્થિક મંચ પર રશિયા-યુક્રેન યુદ્ધ, પશ્ચિમ એશિયાનો સંઘર્ષ અને અમેરિકાની નવી ટેરિફ નીતિઓના તણાવ વચ્ચે આ પરિષદ ખૂબ જ નિર્ણાયક ગણાઈ રહી છે. ભારતે અત્યંત કુશળ કૂટનીતિનો પરિચય આપતાં શનિવારે સવારે 4 વાગ્યા સુધી ચાલેલી લાંબી વાટાઘાટો બાદ તમામ સભ્ય દેશો વચ્ચે ‘નવી દિલ્હી જાહેરનામા’ પર પૂર્ણ સર્વસંમતિ સાધીને ઈતિહાસ રચ્યો છે.





