BRICS Summit 2026: PM મોદી અને બ્રિક્સ દેશોના નેતાઓએ કર્યું વૃક્ષારોપણ

રાજધાની દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલી 18મી બ્રિક્સ શિખર પરિષદ (BRICS Summit 2026) ના પ્રથમ દિવસે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચાની સાથે પર્યાવરણ સંરક્ષણનો પણ એક અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિક્સ સભ્ય દેશોના સર્વોચ્ચ નેતાઓએ શનિવાર, 12 સપ્ટેમ્બર 2026 ના રોજ ભારત મંડપમ પરિસરમાં સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વિશેષ પ્રસંગે તમામ નેતાઓએ ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ એવા વડ (બરગદ) ના છોડનું વાવેતર કર્યું હતું.

ભારતીય સંસ્કૃતિ અને પર્યાવરણનું પ્રતીક ‘વડ’

વડ (વૈજ્ઞાનિક નામ: Ficus benghalensis) ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ઇકોસિસ્ટમમાં અત્યંત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પોતાના વિશાળ ફેલાવા અને વડવાઈઓ માટે ઓળખાતું આ વૃક્ષ દીર્ઘાયુ, સ્થિરતા અને મજબૂતીનું પ્રતીક છે. વિશાળ વિસ્તારમાં પથરાયેલું વડનું ઝાડ અસંખ્ય પક્ષીઓ, કીટકો અને જીવજંતુઓ માટે આશ્રયસ્થાન તથા ખોરાક પૂરો પાડે છે. તેની ઘટાદાર છાંયડી આસપાસના વાતાવરણને કુદરતી રીતે ઠંડુ રાખવામાં મદદ કરે છે.

બ્રિક્સ નેતાઓએ કેમ કરી વડના વૃક્ષની પસંદગી?

બ્રિક્સ સંમેલન જેવા વૈશ્વિક મંચ પર વડના છોડનું વાવેતર કરવા પાછળ દીર્ઘકાલીન પર્યાવરણીય કટિબદ્ધતા અને બ્રિક્સ રાષ્ટ્રો વચ્ચેના મજબૂત, કાયમી સંબંધોનો પ્રતીકાત્મક સંદેશ આપવાનો હેતુ હતો. જે રીતે વડનું વૃક્ષ દાયકાઓ સુધી અડીખમ રહીને વિશાળ વટવૃક્ષ બને છે, તે જ રીતે સભ્ય દેશો વચ્ચેનો સામૂહિક વિકાસ અને ભાગીદારી ગાઢ બને તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

ખુલ્લા અને મોટા પરિસર માટે ઉત્તમ

વડના વૃક્ષને વધવા માટે વિશાળ જગ્યાની જરૂર હોય છે. આથી તે સાંકડી શેરીઓ કે ઈમારતો નજીક વાવવાને બદલે વિશાળ પાર્ક, શૈક્ષણિક સંસ્થાઓના કેમ્પસ અને ગ્રામીણ ખુલ્લા વિસ્તારો માટે ઉત્તમ માનવામાં આવે છે. ભારતના ગ્રામીણ સંસ્કૃતિમાં આજે પણ વડના છાંયડા નીચે પંચાયતો અને સામાજિક બેઠકો યોજાતી હોય છે, જે લોકશાહી અને સામૂહિક મંથનનું પ્રતીક છે.