મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની મુખ્ય માંગ સાથે અભિજીત દીપકેની આગેવાની હેઠળ ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્ક ખાતે એક વિશાળ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં નાગરિકો એકઠા થયા હતા. આ આંદોલનને બોલિવૂડના જાણીતા અભિનેતા નસીરુદ્દીન શાહ, અભિનેત્રી શબાના આઝમી, ફિલ્મ નિર્માતા-સંગીતકાર વિશાલ ભારદ્વાજ અને સંગીતકાર વિશાલ દદલાની સહિતના અનેક અગ્રણી કલાકારોએ મંચ પર પહોંચીને પોતાનું પૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું.

બોલિવૂડ સિતારાઓનું આંદોલનને સમર્થન
શિવાજી પાર્ક ખાતે આયોજિત આ આંદોલનમાં ફિલ્મ નિર્દેશક, લેખક અને સંગીતકાર વિશાલ ભારદ્વાજે પ્રદર્શનકારીઓ વચ્ચે પહોંચી સમર્થન વ્યક્ત કર્યું હતું, જોકે તેમણે મંચ પરથી કોઈ સંબોધન કર્યું નહોતું. બીજી તરફ, વરિષ્ઠ અભિનેતા નસીરુદ્દીન શાહે આંદોલનના મુખ્ય નેતા અભિજીત દીપકેના આયોજન અને હિંમતના ખુલ્લા મનથી વખાણ કર્યા હતા અને આ મુદ્દાને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું.

મુંબઈ બાદ દિલ્હીના જંતર-મંતર પર પણ ગરમાવો
કેવળ મુંબઈ જ નહીં, પરંતુ શુક્રવારે રાજધાની દિલ્હીના જંતર-મંતર ખાતે પણ મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. દિલ્હીમાં વિપક્ષી રાજકીય પક્ષો, વિવિધ વિદ્યાર્થી સંગઠનો અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે જોરદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નવી દિલ્હી વિસ્તારમાં સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસ અને પેરામિલીટ્રી ફોર્સના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા અને જંતર-મંતર તરફ જતા માર્ગો પર બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું.

અભિજીત દીપકેનો સરકાર પર પ્રહાર અને પડકાર
શિવાજી પાર્કમાં સભાને સંબોધતી વખતે ટેકનિકલ ખામીના કારણે માઇક્રોફોન બંધ થઈ ગયો હતો. તેમ છતાં અભિજીત દીપકેએ જનમેદનીને સંબોધતા કહ્યું, “હું મુંબઈ પોલીસને સલામ કરું છું અને તેમના પર ગર્વ અનુભવું છું. કારણ કે મુંબઈ પોલીસને ઉપરથી અભિજીત દીપકેને ગોળી મારવાનો આદેશ મળ્યો હતો, પરંતુ તેમણે એવું ના કર્યું. પોતાના આક્રમક સંબોધનમાં દીપકેએ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી/ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પડકાર ફેંકતા કહ્યું હતું કે, “જો હિંમત હોય તો શિવાજી પાર્કમાં એકઠા થયેલા પ્રદર્શનકારીઓને જેલમાં મોકલી બતાવો.” તેમણે વધુમાં ઉમેર્યું, “જો મને જેલમાં ધકેલી દેવામાં આવશે, તો પણ હું એ જ કહીશ જે તમે કહેતા હતા – ‘હું ફરી આવીશ, હું ફરી આવીશ’.” ભાષણ દરમિયાન શિવાજી પાર્ક ખાતે “જ્ઞાનેશ ભાઈ, રાજીનામું આપો” ના નારાઓથી પરિસર ગુંજી ઊઠ્યું હતું.
SIR રદ કરવાની અને ‘જેલ ભરો’ આંદોલનની હાકલ
કોકરોચ જનતા પાર્ટી દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામા ઉપરાંત મહારાષ્ટ્રમાં લાગુ કરવામાં આવેલા એસઆઈઆર (SIR) ને તુરંત અસરથી રદ કરવાની માંગ કરવામાં આવી છે. આ માંગણીઓને લઈને પક્ષ દ્વારા ‘જેલ ભરો આંદોલન’ ની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, મુંબઈ પોલીસ દ્વારા આ જેલ ભરો આંદોલન માટે અધિકૃત મંજૂરી આપવામાં આવી નહોતી. તેમ છતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા મુંબઈ પોલીસે શિવાજી પાર્ક અને આસપાસના વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મુંબઈ પોલીસના જવાનો ઉપરાંત ટ્રાફિક પોલીસ અને રિઝર્વ ફોર્સના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા હતા.






