કોકરોચ જનતા પાર્ટીના નેતા સૌરવ દાસે દાવો કર્યો છે કે તેમને દિલ્હી એરપોર્ટ પર લંડન જતી ફ્લાઇટમાં સવાર થતાં રોકવામાં આવ્યા હતા. તેમને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ‘કોકરોચ મૂવમેન્ટ’ વિષય પર લેક્ચર આપવા આમંત્રણ મળ્યું હતું.

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતા સૌરવ દાસે સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે મંગળવારે રાત્રે 1 વાગ્યે લંડન જતી ફ્લાઇટમાં સવાર થતાં પહેલાં દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન તપાસ દરમિયાન તેમને રોકવામાં આવ્યા હતા. સૌરવને ઓક્સફર્ડ, કેમ્બ્રિજ, LSE અને એડિનબર્ગ યુનિવર્સિટીઓમાં ‘કોકરોચ મૂવમેન્ટ’ પર સ્પીચ આપવા આમંત્રણ મળ્યું હતું.
સૌરવ દાસે શું કહ્યું?
સૌરવ દાસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આરોપ લગાવ્યો કે સરકાર તેમને પ્રતિષ્ઠિત વિદેશી યુનિવર્સિટીઓમાં લેક્ચર આપવા જતાં રોકી રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે સરકારને તેમની શૈક્ષણિક પ્રવૃત્તિઓથી ડર લાગી રહ્યો છે.
CJPના અન્ય નેતાઓની પ્રતિક્રિયા
સૌરવના દાવા બાદ CJPના સ્થાપક અભિજીત દીપકેએ કટાક્ષ કરતાં કહ્યું કે જો સૌરવે કોઈ બેંક લૂંટી હોત કે નાણાકીય છેતરપિંડી કરી હોત તો સરકાર તેમને ચોક્કસ લંડન જવા દેત. જ્યારે પાર્ટીના નેતા આશુતોષ રાંકાએ પણ સરકાર પર નિશાન સાધ્યું હતું.
ઓક્ટોબરમાં તિહાર જેલમાંથી મળ્યા હતા જામીન
ઉલ્લેખનીય છે કે સૌરવ દાસ અને આશુતોષ રાંકાની 13 ઓક્ટોબરે જંતર-મંતર વિસ્તારમાં પરવાનગી વિના પ્રવેશ કરવાના આરોપમાં અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ બંનેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. 21 ઓક્ટોબરે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કોર્ટે 50-50 હજાર રૂપિયાના અંગત બોન્ડ અને જામીનદાર બોન્ડ પર બંનેને જામીન આપ્યા હતા. આ દરમિયાન બંનેએ શાંતિ જાળવવા અને ભવિષ્યમાં કાયદાકીય પ્રક્રિયાના દાયરામાં રહીને જ વિરોધ પ્રદર્શન કરવાની લેખિત બાંહેધરી આપી હતી.




