નેપાળના કોસી પ્રાંતમાં મંગળવારે સવારે 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેના આંચકા ભારત, ભૂતાન, બાંગ્લાદેશ અને ચીનના કેટલાક વિસ્તારોમાં પણ અનુભવાયા હતા. આખરે નેપાળમાં વારંવાર ભૂકંપ કેમ આવે છે?

નેપાળના કોસી પ્રાંતમાં મંગળવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમેરિકાના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (USGS) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 નોંધાઈ હતી. સવારે આશરે 7:02 વાગ્યે આવેલા આ ભૂકંપના આંચકા ભારત, ભૂતાન અને બાંગ્લાદેશના અનેક વિસ્તારોમાં અનુભવાયા હતા. ચીનના કેટલાક વિસ્તારોમાં પણ આંચકા અનુભવાયા હોવાના અહેવાલ સામે આવ્યા હતા.
ભૂકંપનું કેન્દ્ર નેપાળના કોસી પ્રાંતમાં આવેલા લેલેપ નજીક નોંધાયું હતું. જ્યારે તેનું કેન્દ્ર જમીનથી આશરે 20 કિલોમીટર ઊંડાઈએ હતું. હાલ ઉપલબ્ધ માહિતી અનુસાર, આ ભૂકંપને કારણે કોઈ જાનહાનિ કે માલમિલકતને નુકસાન થયું હોવાની પુષ્ટિ થઈ નથી.
આ દરમિયાન આસામના કાર્બી આંગલોંગ જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 2.5 નોંધાઈ હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS)ના જણાવ્યા અનુસાર, સવારે 3:39 વાગ્યે આવેલા આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી 15 કિલોમીટર ઊંડાઈએ હતું. આસામમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર 25.743 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 93.355 ડિગ્રી પૂર્વ રેખાંશ પર નોંધાયું હતું.
નેપાળમાં વારંવાર ભૂકંપ કેમ આવે છે?
નેપાળ વિશ્વના સૌથી વધુ ભૂકંપ સંવેદનશીલ વિસ્તારોમાંનો એક છે. આ દેશ ભૌગોલિક રીતે સક્રિય ટેક્ટોનિક ક્ષેત્રમાં આવેલો હોવાથી અહીં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. નેપાળનો મોટાભાગનો વિસ્તાર ભૂકંપના ઊંચા જોખમ ધરાવતા ઝોન-4 અને ઝોન-5માં આવે છે.
નેપાળના ઇતિહાસમાં સૌથી વિનાશક ભૂકંપ વર્ષ 2015માં આવ્યો હતો. તે સમયે 7.8ની તીવ્રતાના ભૂકંપને કારણે 9,000થી વધુ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 10 લાખથી વધુ ઇમારતોને નુકસાન પહોંચ્યું હતું.




