ખડગેએ ઇલેક્શન કમિશ્નરને કહ્યા ‘કઠપૂતળી’, ચૂંટણી પારદર્શિતા માટે કરી પાંચ માંગ

નવી દિલ્હી: કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પર તીખો પ્રહાર કર્યો હતો. ખડગેએ આક્ષેપ કર્યો હતો કે સીઈસી નરેન્દ્ર મોદી સરકારના “કઠપૂતળી” બનીને કામ કરી રહ્યા છે. ચૂંટણી પંચમાં ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) પ્રોસેસને લઈને આંતરિક મતભેદોના અહેવાલો સામે આવ્યા બાદ ખડગેએ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે ૫ મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરી હતી.

ખડગેએ આરોપ લગાવ્યો હતો કે કાવતરા હેઠળ મતદાર યાદીમાંથી લોકોના નામ હટાવવામાં આવી રહ્યા છે, જે યોગ્ય મતદારોના અધિકારો પર ત્રાપ છે.

ખડગેની ૫ મુખ્ય માંગણીઓ

  1. ડેટા સાર્વજનિક કરવો: મતદાર યાદીમાં થતા મોટા ફેરફારોનો ડેટા જાહેરમાં મૂકવામાં આવે.

  2. અપીલ કરવાની તક: જે મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે, તેમને તેની જાણ કરીને અપીલ કરવાની તક આપવામાં આવે.

  3. સરળ ફોર્મેટમાં ડેટા: તમામ રાજકીય પક્ષોને મતદાર યાદીનો ડેટા સમયસર અને સરળ ફોર્મેટમાં પૂરો પાડવામાં આવે.

  4. નિષ્પક્ષ તપાસ: ચૂંટણી યાદીમાં જોવા મળતી ગંભીર વિસંગતતાઓની સમયબદ્ધ અને સ્વતંત્ર તપાસ કરાવવામાં આવે.

  5. પારદર્શક નિર્ણયો: ચૂંટણી સંબંધી તમામ ડેટા અને નિર્ણયોમાં વધુ પારદર્શિતા રાખવામાં આવે.

ખડગેએ એક અહેવાલનો હવાલો આપતા જણાવ્યું હતું કે ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીએ છેલ્લા ૧૦ મહિનામાં SIR પ્રક્રિયા અંગે ૧૪ વખત વિરોધ નોંધાવ્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે શું ચૂંટણી પંચમાં કમિશનરોને બાકાત રાખીને નિર્ણય લેવામાં આવી રહ્યા છે?

ખડગેએ સ્પષ્ટ કર્યું હતું કે કોંગ્રેસની આ લડાઈ ચૂંટણી પંચને નબળું પાડવા માટે નહીં, પરંતુ સંસ્થાની વિશ્વનિયતા અને ભારતીય મતદારોના અધિકારો તથા લોકશાહીના રક્ષણ માટે છે.