બે પ્રાઈમ મિનિસ્ટ, એક ઍક્ટર ને ઘસાયેલી ફિલ્મની CD…

હાલ ઓટીટી પર ‘સફેદ સાગર’ ખૂબ જોવાઈ રહી છે, ખૂબ બધી શંસા-પ્રશંસા પામી રહી છે. 1999ના કારગિલ યુદ્ધમાં ઈન્ડિયન ઍર ફૉર્સે ભજવેલી મહત્વની ભૂમિકા પર આધારિત આ સિરીઝમાં આપણાં ફાઈટર જેટ્સ, જાબાંઝ પાઈલટ્સ, સૈન્યની વ્યૂહરચના બધું જ સ્તુત્ય છે. અનેક દશ્યો એવાં છે, જે જોતાં રૂવાડાં ઊભાં થઈ જાય છે, ક્યારેક આંખો ભીની થઈ જાય છે…

જો કે મારે સિરીઝના વિષયવસ્તુ સાથે સંકળાયેલી એક સ્મૃતિ શૅર કરવી છે. ‘સફેદ સાગર’નો આરંભ 1999ના ફેબ્રુઆરીથી થાય છેઃ ભારતના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને પાકિસ્તાનના પીએમ મિયાં નવાઝ શરીફની બહુ ગાજેલી લાહોરની શાંતિ મંત્રણાથી. બે દેશો વચ્ચે શાંતિ સ્થાપવા વાજપેયી 20 ફેબ્રુઆરી, 1999ના રોજ દિલ્હીથી બસમાં લાહોર ગયા હતા. આથી જ આ પીસ ટૉકને બસ-ડિપ્લોમસી તરીકે પણ ઓળખવામાં આવી. બસયાત્રાને નામ આપવામાં આવેલું, ‘સદા-એ-સરહદ’ અર્થાત્ સરહદનો સાદ.

આ બસ-ડિપ્લોમસી સાથે સંકળાયેલી અમુક રોમાંચક વાત તે વખતે બહાર આવેલી. જેમ કે મિંયા નવાઝનો અમર ઍક્ટર દેવ આનંદ માટેનો પ્રેમ. પીઢ પત્રકાર પુણ્ય પ્રસુન બાજપાઈના 2024ના એક લેખ અનુસાર, લાહોર જવા નીકળતાં પહેલાં વાજપેયીએ ફોનમાં શરીફને પૂછ્યું હતું કે “અહીંથી કાંઈ જોઈતું-કારવતું હોય તો વિનાસંકોચ જણાવજો.”

 

મિયાંએ જવાબ આપ્યોઃ “ખાસ તો કાંઈ નહીં, પણ પોસિબલ હોય તો દેવ આનંદને તમારી સાથે લાવજો.”

લાહોર-પ્રવાસના એક દિવસ પહેલાં મુંબઈમાં બિરાજમાન દેવ આનંદને ફોન આવ્યોઃ

“હેલ્લો… વાજપેયી બોલું. કાલે મારા ઑફિસર તમને લેવા આવશે, તમે પ્લીઝ, તૈયાર રહેજો. અને પાસપોર્ટ સાથે રાખજો. તમારે મારી સાથે લાહોર આવવાનું છે.”

-અને બસ અમૃતસરમાં અટારી-વાઘા સરહદ વટાવી લાહોર પહોંચી. સ્વાગત સમારંભ વખતે દેવ સાહેબે વાજપેયી-શરીફનો હાથ પકડીને કહ્યું, “મૈં દોનો મુલ્કોં કો ઈસી તરહ ઈકઠ્ઠા કરને આયા હૂં.”

બસપ્રવાસમાં દેવ આનંદ ઉપરાંત વાજપેયીજી સાથે શત્રુઘ્ન સિંહા, મલ્લિકા સારાભાઈ, કપિલ દેવ, જાવેદ અખ્તર, વગેરે પણ હતા. દેવ આનંદ માટે આ પ્રવાસનું અંગત મહત્ત્વ હતું. ભાગલા પહેલાં એમણે લાહોરની ગવર્નમેન્ટ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. સરહદનો સાદ બસયાત્રા તેમના લાહોર પરત ફરવાનું નિમિત્ત બની હતી. લાહોરનિવાસ દરમિયાન એમણે પોતાની કૉલેજ તથા અન્ય સ્થળની મુલાકાત લીધેલી.

વેબસિરીઝના બીજા એપિસોડના એક સીનમાં વિદેશપ્રધાન જસવંતસિહ (અનંત મહાદેવન્) મહત્વની મિટિંગમાં પાકિસ્તાનના પીએમ (વિનય પાઠક)ને કહે છેઃ “મુબારક મિયાં… બસ યાત્રા સફલ રહી…”

ત્યારે મિયાં નવાઝ મીઠું મલકતાં કહે છેઃ “હમારી યાત્રા તો દેવ સાહબ સે મિલકે હી સફલ હો ગઈ.”

જો કે લાહોર બસ ડિપ્લોમસીનો આશાવાદ લાંબો ટક્યો નહીં. નપાવટ પાકિસ્તાને, ખાસ તો પાકિસ્તાની સૈન્યના વડા મીંઢા પરવેઝ મુશર્રફે જાત બતાવી અને મે મહિનામાં ભારત-પાકિસ્તાન કારગિલ યુદ્ધમાં સામસામે આવી ગયાં.

1999ના ઑક્ટોબરમાં કારગિલ વૉરમાં પાકિસ્તાના ઘોર પરાજય બાદ નવાઝે જનરલ મુશર્રફને હટાવવાનું નક્કી કર્યું, પણ મુશર્રફે બળવો કરી સત્તા કબજે કરી, નવાઝને જેલમાં નાખ્યા. પછી ઈન્ટરનેશનલ પ્રેશર બાદ છોડ્યા, પરંતુ દેશમાંથી તો કાઢી જ મૂક્યા.

ત્યાર બાદ નવાઝ-દેવ આનંદ લંડનના હાઈડ પાર્કમાં મળતા. દેવ આનંદના નિકટના સાથી, મેનેજર મોહન ચૂડીવાલાના જણાવ્યા મુજબ, “જો દેવ આનંદ લંડનના વિશ્વવિખ્યાત હેરોડ્સ સ્ટોરની હૉટ ચૉકલેટનો વિષય છેડે તો પછીની મુલાકાત માટે શરીફ હેરોડ્સ પસંદ કરતા.”

એક રાતે ડિનર બાદ મિસિસ શરીફે પોતાના શૌહરની એક આદત વિશે કહેવાની ઈચ્છા વ્યક્ત કરી. મિયાં શરીફે એમને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ એમણે વાત કહી જ દીધીઃ

“શું કહું દેવ સાહબ, આ મિયાંએ તમારી ‘સીઆઈડી’ ફિલ્મ એટલી બધી વાર જોઈ છે કે સીડી સાવ ઘસાઈ ગઈ છે. એ ખાસ તો ‘લેકે પહેલા પહેલા પ્યાર’ સોંગ વારંવાર જુવે છે- એ પણ સ્લો મોશનમાં. સતત રિપ્લે કરવાથી સીડી ખરાબ થઈ ગઈ છે.”

દેવ આનંદને નવાઈ લાગીઃ “મિયાં, એવું તે શું છે આ સોંગમાં?”

યુવાનીમાં દેવ આનંદ જેવા ફિલ્મ-હીરો બનવાના ખ્વાબ જોનારા મિયાંનો જવાબ હતોઃ

“દેવ સાહબ, શું કહું. આ સોંગમાં તમે જે રીતે હળવેકથી ગરદન ફેરવીને પાછળ જુવો છો એ અદાથી હું મંત્રમુગ્ધ છું!”

બન્નેની છેલ્લી ફોન-ટોક્સ દેવ આનંદે તેમને કથિત રીતે કહ્યું હતું:

“મિયાં નવાઝ, હું તને મળવા પાકિસ્તાન આવીશ.”

જો કે એ શક્ય બન્યું નહીં. 2013માં મિયાં નવાઝ ત્રીજી વાર પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા તે પહેલાં 2011ના ડિસેબરમાં દેવ આનંદનું લંડનમાં 88 વર્ષની વયે અવસાન થયું.