વાસ્તુ: વાયવ્ય દોષ અને વાહન સંબંધિત મુશ્કેલીઓ

જયારે સાવ ગાંડા જેવી વાતોને પણ લાખોમાં ફોલો કરવાવાળા મળી રહે ત્યારે સમજાય કે કેટલા લોકો સાવ નવરા હશે. અથવા તો પછી લોકોને માત્ર ત્રણ જ વસ્તુ ગમે છે—મનોરંજન, મનોરંજન અને મનોરંજન. આવું બોલનારી વ્યક્તિ પણ મોટીવેશનલ સ્પીકર લાગવા માંડે છે. આવડત અને જ્ઞાનના આધાર પર ચાલતો આપણો સમાજ માત્ર લોભામણી વાતોથી છેતરાય ત્યારે કશુંક ખૂટતું હોય એવી લાગણી થાય. જે સમાજને નિયમોનું જ્ઞાન ન હોય, એને છેતરવો સરળ બની જાય. વળી, વધારે વસ્તી અને ઓછી આવડતના લીધે છેતરનારાઓ પણ નીતનવા મળી રહે છે. કેટલાક લોકોને હવે એવો વિશ્વાસ થઈ ગયો હોય એવું લાગે છે કે આપણે કોઈને છેતરીશું તો પણ કોઈ આપણું કશું બગાડી નહીં શકે. આવા સંજોગોમાં નિયમોનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ જરૂર પૂછી શકો છો.

સવાલ: મેં એક ગાડી લેવાનો વિચાર કર્યો. ભારતીય કંપનીની ગાડી પસંદ કરી હતી, પરંતુ મારા એક ઓળખીતા વિદેશી કાર કંપનીમાં નોકરી કરતા હતા. તેમણે ડિસ્કાઉન્ટ અપાવવાનું કહીને તેમની કંપનીની ગાડી લેવડાવી. એડવાન્સ પેમેન્ટ આપ્યા બાદ એક મહિના પછી ડિલિવરી માટે બોલાવવામાં આવ્યો. ગાડીમાં કીચડ ચોંટેલો હતો અને થોડો ભાગ કાટ ખાધેલો હતો. અમારો મૂડ ખરાબ થઈ ગયો. ઘરના લોકો બોલ્યા પણ ખરા, “યે ક્યા કિયા?” ખૂબ માથાકૂટના અંતે ગાડી લઈ લેવી પડી. મારા જેવા બીજા ત્રણ જણા પણ હતા, પરંતુ કોઈએ વિરોધ ન કર્યો. તેમને માત્ર ફોટા પડાવવામાં રસ હતો.

ફ્રી સર્વિસમાં ગાડી આપી તો ખબર પડી કે ગાડી 30 કિલોમીટર ફરેલી હતી. રાત્રે મોડે ગાડી પાછી આપી હતી અને બધું બંધ કરવાનું છે એવું કહીને તેમણે બહાનું કાઢ્યું કે ગાડી ટ્રાયલ માટે લઈ ગયા હતા. ગાડી લઈ લીધા પછી ખબર પડી કે તેમાં નુકસાન થયું છે. મેં ઈમેઈલ કર્યા, ફોન કર્યા, પરંતુ તેઓ ઉડાઉ જવાબ આપે છે. મારા પેલા ઓળખીતા કહે છે કે, “મારી નોકરીનો સવાલ છે. હું મદદ કરી શકું નહીં.” શું કરું એ સમજાતું નથી.

જવાબ: તમે જે કંપનીની વાત કરી છે, એ જ કંપનીના અન્ય કિસ્સા પણ સમાચારમાં આવ્યા છે. એક વ્યક્તિની ગાડી સર્વિસમાં આપ્યા બાદ ગાડી હાઇવે પર કોઈને ખાનગી માલ આપવા જતી હોવાનું સામે આવ્યું હતું. એ ભાઈ સર્વિસ સ્ટેશન પર ગયા ત્યારે તેમને ઉદ્ધત જવાબ મળ્યો હતો. આઘાતજનક વાત એ છે કે ત્યારબાદ એ ભાઈને હાર્ટ એટેક આવ્યો અને તેમનું મૃત્યુ થયું. પછી શું કાર્યવાહી થઈ એ કોઈને ખબર નથી. આ લોકો કાયદાને ઘોળીને પી ગયા હોય એવું લાગે છે. તમે જે ભૂલ કરી એવી ભૂલ ઘણા લોકો કરતા હોય છે.

૧) પેમેન્ટ પહેલાં શરતો સ્પષ્ટ રાખવી જરૂરી:
તમે પેમેન્ટ કર્યું ત્યારે નવી અને સંપૂર્ણપણે ફ્રેશ ગાડી લેવા અંગેના જરૂરી દસ્તાવેજો અને શરતો સ્પષ્ટ રીતે લખાવી નહોતી. આપણો દેશ એક સમયે વિશ્વાસ પર ચાલતો હતો, પરંતુ હવે કેટલાક લોકો માત્ર પોતાના ટાર્ગેટ પર ચાલે છે.

૨) ઓળખીતાના ટાર્ગેટનો શિકાર ન બનવું:
તમારા ઓળખીતાને પોતાનો ટાર્ગેટ પૂરો કરવો હતો અને તમે તેનો શિકાર બની ગયા. તમારી તકલીફમાં તેમણે સાથ આપવો જોઈએ હતો.

૩) દરેક બાબત લેખિતમાં લેવી:
ગાડી ૩૦ કિલોમીટર ફરી હતી એ વાત લેખિતમાં લખાવી લેવી જોઈતી હતી, જેથી કોઈપણ સમસ્યા ઊભી થાય તો તે આધાર બની શકે. સર્વિસ સ્ટેશનને બંધ કરવાની ઉતાવળ હતી, તમને નહોતી. આવા લોકો ઘણીવાર ઉદ્ધતાઈથી વર્તે છે જેથી તમે વાત માની જાઓ, પરંતુ તમારા હક માટે અડગ રહેવું જરૂરી છે.

૪) ડિલિવરી પહેલાં જ ફરિયાદ કરવી:
ગ્રાહક સુરક્ષાના દૃષ્ટિકોણથી ગાડીની ડિલિવરી લેતા પહેલાં જ ફરિયાદ કરવી જરૂરી હતી. સંપૂર્ણ પૈસા ચૂકવીને કાટ ખાધેલી કે નુકસાન થયેલી ગાડી ક્યારેય સ્વીકારવી નહીં.

તમે સર્વિસ સ્ટેશન પર જઈને લેખિતમાં નોંધ કરાવો કે ગાડી સાથે આવું બન્યું છે. તેના આધારે તમે આગળ ફરિયાદ કરી શકશો. મોટા ભાગે, તમે આગ્રહપૂર્વક અને અડગ રહીને વાત કરશો તો તેમને પણ સમજાઈ જશે કે તમે સરળતાથી માની જવાના નથી અને તેઓ સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયાસ કરશે.

સૂચન: વાયવ્ય દિશાનો દોષ હોય ત્યારે વાહન સંબંધિત સમસ્યાઓ આવવાની શક્યતા રહે છે. તેથી વાહનસુખમાં વારંવાર વિઘ્ન આવતાં હોય તો વાયવ્ય દિશા અને તેના વાસ્તુદોષની પણ તપાસ કરાવવી યોગ્ય રહે.