જયારે મૌન બની જાય સજા : અવગણના

આજકાલ, લોકોએ દશેરાના દિવસે હથિયારની પૂજા કરવાનું છોડી દીધું છે. કારણકે માણસોને તેની આત્મા સાથે મારવા માટે લોકોએ નવું હથિયાર શોધી લીધુ છે,તે છે,અવગણના.

દરેક સબંધ, જે માં-બાળકનો હોય, બે દોસ્તનો હોય કે હસબન્ડ વાઈફનો હોય, દરેક સબંધનો એક જ આધાર હોય છે અટેન્સન એટલેકે હૂંફ, લાગણી, કાળજી…. જ્યાં સુધી કોઈપણ સબંધમા અટેન્સન ધબકતું હશે, ભલે તે પ્રેમનુ હોય કે નફરતનુ, તે સબંધ જીવંત હશે. કારણકે કોઈપણ સબંધને ધબકવા કે મહેકવા તેમાં કશું ને કશું ‘હોવું’, મહેકવું કે ખટકવું,ખીલવું કે ખખડવું ખૂબ જરૂરી છે. પ્રેમ કે નફરતનો ખખડાટ જ જીવંત હોવાની નિશાની છે, પરંતુ જયારે એ ખખડાટ બંધ થાય છે ત્યારે સબંધના પતનની શરૂઆત થાય છે અને તે શરૂ થાય છે અવગણનાથી.

દેખીતી રીતે ખૂબ જ સામાન્ય હોવા છતાં આ શબ્દ કે આ લાગણી અતિ ભયંકર છે.શા માટે અવગણના કરવી નુકસાન કારક છે તે જોઈએ.

સાયકોલોજિકલ ટર્મમાં જયારે કોઈ માણસની અવગણના કરવામાં આવે ત્યારે તેનું મગજ કોઈ સ્પેસીફિક લાગણીની પ્રતિક્રિયા આપવા માટે ઘડાયેલું હોય છે, મગજને ખબર હોય છે કે ગુસ્સા સામે, હિંસા સામે, મજાક સામે કેવી રીતે પ્રીતિક્રિયા આપવી પરંતુ અહીં માહિતીના સંપૂર્ણ અભાવને કારણે મગજ કોઈ પણ પ્રતિક્રિયા આપવા માટે વધુને વધુ ઝઝૂમે છે. તે ડિફેન્સ માટે તૈયાર થઇ શકતું નથી એને લીધે ઘણીવાર મલ્ટીપલ ફીલિંગસ માટેના હોર્મોનલ સિક્રીસનને લીધે વ્યક્તિની મનોવ્યથા ખૂબ જટિલ બને છે.

તે ભાવનાત્મક આઘાતનુ કારણ બની શકે છે, કેમકે જે વ્યક્તિની અવગણના કરવામાં આવી રહી છે તે એક સાથે વધુ લાગણીઓની એક જથ્થાબંધ શ્રેણી અનુભવે છે, કારણકે તેને ખબર નથી કે ક્યાં કારણને લીધે તેને અવગણવામાં આવી રહ્યા છે,તેટલે તે ગુસ્સો,ઉદાસી, હતાશા, અપરાધ,એકલતા, નિરાશા બધુ એક સાથે અનુભવે છે,જેના માનસિક રીતે ગંભીર પરિણામો આવી શકે છે.

તનાવ વધતા, તેની અસર શરીરિક રીતે થઇ શકે છે, જેમકે ભૂખ ના લાગવી, ઊંઘ ના આવવી, થાક લાગવો વગેરે .કેમ કે જયારે તેમને અવગણવામાં આવે છે ત્યારે પીડા શોધવા માટે જવાબદાર મગજનો એક ભાગ એનું કારણ શોધવા માટે સક્રિય થશે.જે તેમને કહેશે કે તે ખરેખર રોગગ્રસ્ત છે.

તે તમારી સ્વામાનને ઠેંસ પહોચાડી શકે છે, તમારા આત્મવિશ્વાસને મારવા માટે કે હીનભાવ પ્રગટ કરવાં માટે લોકો મોટાભાગે આવી સાયલન્ટ ટ્રીટમેન્ટનો ઉપયોગ કરતાં હોય છે.

જૉ નાના બાળકોને તેના તોફાન કે મસ્તી માટે માંબાપ દ્વારા અવગણવામાં આવે તો બાળકોમાં પણ તેના ખરાબ પરિણામો જોવા મળે છે, તે બાળક મોટુ થતાં વધુ તોફાની બને છે, કારણકે બાળકો મોટા લોકોનુ અટેન્સન મેળવવા માટે વધુ ને વધુ અગ્રેસીવ બને છે અને તેઓ જિદ્દીપણાનો આશરો લેતાં હોય છે.ઘણા સમયે બાળકને તેની ભૂલ માટે તેની અવગણના ના કરીને તેને સમજાવવું, ખિજાવું કે સજા આપવી વધુ અસરકારક હોય છે.

મેટ્રો સિટીમા લોકોનું આવુ વલણ સામાન્ય હોય છે, પરંતુ તેઓ કોઈ જાણી જોઈને કોઈની અવગણના નથી કરતાં પરંતુ અતિવ્યસ્તતાના કારણે અને પોતાની અસખ્ય કામો ના કારણે પરેશાન હોય છે કે મેટ્રોસમાં રહેતા લોકોને મોટાભાગે કોઈની ચિંતા હોતી નથી એને લીધે ઘણીવાર પબ્લિક ટ્રાન્પોર્ટ કે પબ્લિક પ્લેસ પર તેઓ લાગણી વિનાના મશીનની જેમ વર્તન કરે છે પરંતુ તેઓનો ઈરાદો ખરાબ હોતો નથી.લોકોને અવગણવા માટેના તેની પાસે સ્પષ્ટ કારણો છે.

ત્યારે શું કરવું જોઈએ?

જૉ તમે કોઈ રિલેશનમાં હોવ અને એ વ્યક્તિ તમને અવગણતો હોય ત્યારે મોટા ભાગે સ્પષ્ટ વાતચીત જ એનો ઉપાય છે. એક વાર ઈગોને સાઈડ પર મૂકી સ્પષ્ટતા જ કદાચ સબંધની પારદર્શકતા વધારી શકે છે.કેમકે બની શકે છે કે કોઈ ના દેખીતા કારણ પણ અવગણના માટે જવાબદાર હોઈ શકે છે.જે વાતચીત દરમ્યાન જ જાણી શકાય છે.

તમને ખબર જ છે કે તમને અવગણીને સામેનું વ્યક્તિ કોઈ સિદ્ધિ હાશલ કરશે, કે તે ઈરાદાપૂર્વક એવું કરે છે તો તમે આ બાબતને જરાય સાધારણ રીતે ના લઇ શકો. આ સમયે નબળાઈ દર્શાવી કે કાલાવાલા કરવા મુર્ખામી રહેશે. ઉલ્ટાનું એ પરિસ્થિતિમાં વધુ મક્કમ અને આત્મવિશ્વાસ દેખાડવાથી એની સાયલેન્ટ ટ્રીટમેન્ટની કોઈ અસર થશે નહીં.

સાયલેન્ટ ટ્રીટમેન્ટ ક્યારે જરૂરી?

આપણે જાણીયે છીએ કે કોઈની અવગણના કરવી તે સારી બાબત નથી, તેમ છતાં આજના યુગમાં તે બઉ જ અગત્યનું પણ છે. સેલ્ફ ડિફેન્સના એક ભાગ રૂપે તમે તેનો ઉપયોગ કરી શકો છો.

ઘણી વાર અતિ સંકુચિત મગજના લોકો જેને આપણે લેટેસ્ટ ભાષા માં સીસીટીવી કેમેરા કહીયે છીએ, જે લોકોનું કામજ હોય છે, બીજાની જિંદગીમાં દખલગિરી કરવાનું. એ લોકોને અવગણવા જરાય મૂર્ખામી નથી. કેમકે તે લોકો સાથે લડવા કે દલીલ કરવામાં પણ આપણી જ એનર્જી અને ટાઇમ વેસ્ટ થાય છે.

અવગણના એક જટિલ માનસિક પરિસ્થિતિ છે જેનો ક્યારે ક્યાં ઉપયોગ કરવો તે જાણવું ખૂબ જરૂરી છે. કારણ કે એ એક હથિયારનુ કામ કરે છે.એનાથી પણ વધુ જરૂરી છે કે કોઈ દ્વારા થતી અવગણનાને સમજવું, તેની સ્પષ્ટતા કરવી અને હદ થી વધુ પરિસ્થિતિ થાય ત્યારે તેની સામે લડવું અને તેમાંથી ઉભરવું.પરિસ્થિતિને સમજીને જ કોઈ પણ સબંધની પારદર્શિતા જાણી શકાય છે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)