નેપાળમાં ફરી પૂરનો ખતરોઃ, ચીનની સરહદ પર આવેલા સરોવરનો બંધ તૂટ્યો

નવી દિલ્હીઃ નેપાળમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂર વચ્ચે ફરી એક વાર પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે. અધિકારીઓના જણાવ્યાનુસાર નેપાળ-ચીન સરહદને અડીને આવેલા રસુવા જિલ્લામાં આવેલી બેરિયર લેક (Barrier Lake)નો તટબંધ તૂટી ગયો છે, જેને કારણે પાણીનું સ્તર વધી રહ્યું છે. અધિકારીઓએ પરિસ્થિતિને ગંભીરતાથી લેતાં દેખરેખ વધારી દીધી છે. તટબંધ તૂટ્યા બાદ ઝીલમાંથી ઝડપથી પાણી બહાર નીકળવાની આશંકા છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં અચાનક પૂર એટલે કે ફ્લેશ ફ્લડનું જોખમ ઊભું થઈ શકે છે.

ફ્લેશ ફ્લડથી પ્રભાવિત ત્રિશૂલી વિસ્તારના ડ્રોન વિઝ્યુઅલ પણ સામે આવ્યા છે. ફરી એક વાર પૂરનો ખતરો ઊભો થતાં વિસ્તારને ખાલી કરાવવામાં આવી રહ્યો છે. ત્રિશૂલીથી રસુવા સુધી ચાલી રહેલું રસ્તા બાંધકામનું કામ અસ્થાયી રીતે અટકાવી દેવામાં આવ્યું છે. તમામ JCB મશીનોને પાછાં બોલાવીને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યાં છે. ત્રિશૂલીમાં નેપાળ પોલીસના અધિકારી પી. ચૌધરીએ કહ્યું હતું કે પાણીનું સ્તર વધવાનું છે, તેથી તમામ લોકોને રોકવામાં આવી રહ્યા છે. ઓપરેશનમાં લાગેલાં તમામ વાહનો પરત ફરી રહ્યાં છે. તમામ લોકોને ત્યાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. તમામ કામ અટકાવી દેવામાં આવ્યું છે. તેનાથી પણ વધુ ગંભીર પૂર આવવાની આશંકા છે, તેથી તમામને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

એક JCB ચાલકે જણાવ્યું હતું કે અમારા અધિકારીઓએ અમને સૂચના આપી છે કે ઉપર તરફ પાણીનું સ્તર વધી રહ્યું છે. તેથી અમારી મશીનો સાથે સુરક્ષિત સ્થળે જઈને રાહ જોવાનું કહેવામાં આવ્યું છે. હાલ કામ શરૂ ન કરવા અને આગામી સૂચનાની રાહ જોવા માટે કહેવામાં આવ્યું છે. તમામ લોકોને ત્યાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે.