નવી દિલ્હીઃ ભારતને સમુદ્રમાં ગેસનો મોટો ભંડાર મળ્યો છે. મહાનદી બેસિનમાં ONGCને ઊંડા સમુદ્રમાં આ સફળતા મળી છે. એવા સમયે જ્યારે ભારત સહિત દુનિયાના અનેક દેશો ઓઇલ અને ગેસના પુરવઠાના સંકટનો સામનો કરી રહ્યા છે, ત્યારે ગેસનો ભંડાર મળવો મોટી સફળતા માનવામાં આવી રહી છે. સરકારી તેલ અને ગેસ કંપની ONGCને ઊંડા સમુદ્રમાં હાઇડ્રોકાર્બનની શોધ દરમિયાન મોટી સફળતા મળી છે. કંપનીએ મહાનદી બેસિનના ડીપવોટર વિસ્તારમાં ગેસની શોધ કરી છે.

ONGCના ડીપવોટર અભિયાનનો પ્રથમ કૂવો
આ ONGCના વર્તમાન ડીપવોટર અભિયાનનો પ્રથમ કૂવો છે. કંપનીના જણાવ્યાનુસાર આ શોધથી મહાનદી બેસિનમાં ડીપવોટરનાં સંસાધનોના વિકાસની સંભાવનાઓ વધી છે. કંપની મુજબ MDW-28 કૂવામાંથી હાલમાં સારા દરે ગેસનો પ્રવાહ થઈ રહ્યો છે અને રિઝર્વોયરનું દબાણ પણ મજબૂત છે. અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ અને સાઉદી અરેબિયા પર થયેલા હુમલાઓ વચ્ચે ગેસના પુરવઠાની મુશ્કેલી વધી રહી છે. આ સ્થિતિમાં ઊભા થયેલા ગેસ સંકટ વચ્ચે આ ગેસ ભંડારની શોધ મોટી રાહત માનવામાં આવી રહી છે.
#ONGC strikes gas in the deep waters of Mahanadi Basin.
MDW-28, the maiden well of ONGC’s current deepwater campaign in the Mahanadi Basin is flowing gas with encouraging rates and sustained reservoir pressure.
The campaign was launched on 25 July 2026 by Hon’ble Minister of… pic.twitter.com/whAV8TubIK
— Oil and Natural Gas Corporation Limited (ONGC) (@ONGC_) September 21, 2026
મહાનદી બેસિનમાં ક્યાં મળ્યો ગેસ?
કંપનીએ જણાવ્યું કે MDW-28 (MN-DW18-1-H-D) કૂવો મહાનદી બેસિનના ડીપ ઓફશોર વિસ્તારમાં ડ્રિલ કરવામાં આવ્યો છે. આ કૂવાની ડ્રિલિંગ સાથે ONGCએ પોતાના વર્તમાન ડીપવોટર અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાનને 25 જુલાઈ, 2026એ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ લોન્ચ કર્યું હતું. આ અભિયાન સરકારની ‘સમુદ્ર મંથન’ પહેલ હેઠળ ચલાવવામાં આવી રહ્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ ભારતના સમુદ્રી અને ઊંડા સમુદ્રી વિસ્તારોમાં ઓઇલ અને ગેસનાં સંસાધનોની શોધને પ્રોત્સાહન આપવાનો છે.
18 સપ્ટેમ્બરે કૂવામાંથી ગેસનો પ્રવાહ શરૂ થયો
કંપનીના જણાવ્યાનુસાર સબ-સર્ફેસ ડેટાના મૂલ્યાંકન બાદ 18 સપ્ટેમ્બર, 2026એ MDW-28 કૂવામાં ડ્રિલિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ કૂવામાંથી ગેસનો પ્રવાહ શરૂ થયો હતો. કંપનીએ જણાવ્યું હતું કે હાલમાં કૂવામાંથી સારો ગેસ પ્રવાહ મળી રહ્યો છે અને રિઝર્વોયરનું દબાણ પણ સ્વસ્થ સ્તરે છે.




