નવી દિલ્હીઃ અલ નિનો સાથે સંકળાયેલા સામાન્ય કરતાં વધુ ગરમ હવામાનને કારણે વીજળીની માગ વિક્રમજનક સ્તરે પહોંચી છે. આ દરમિયાન ભારતના 191 કોલસા આધારિત વીજમથકોમાંથી લગભગ અડધા વીજમથકોમાં કોલસાનો જથ્થો ગંભીર રીતે ઘટી ગયો છે. સરકારી આંકડા મુજબ આ સ્થિતિ વીજ પુરવઠા પર દબાણ વધારી રહી છે.
સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA)ના આંકડા દર્શાવે છે કે 19 ઓક્ટોબર સુધીમાં 96 વીજમથકોમાં કોલસાનો જથ્થો ગંભીર સ્તરે પહોંચી ગયો હતો. સપ્ટેમ્બરના મધ્યમાં આવા વીજમથકોની સંખ્યા 60 હતી. જે વીજમથક પાસે ત્રણ દિવસથી ઓછા સમય સુધી વીજળીનું ઉત્પાદન કરી શકાય તેટલો જ કોલસો હોય, તેને ગંભીર અછતની સ્થિતિમાં ગણવામાં આવે છે.
કોલસાની આ અછત એવા સમયે જોવા મળી રહી છે, જ્યારે કોલસા મંત્રાલયે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે વીજમથકોને કોલસાનો પુરવઠો વધારવામાં આવ્યો છે. જોકે સરકારી આંકડા મુજબ ઓક્ટોબરની શરૂઆતથી વીજમથકોમાં કોલસાનો કુલ જથ્થો લગભગ પાંચ ટકા ઘટ્યો છે. આ વર્ષે દરરોજ વીજળીની મહત્તમ માગ ગયા વર્ષની સરખામણીએ 45થી 50 ગીગાવોટ વધુ રહી છે. નબળા ચોમાસાએ પણ સ્થિતિ વધુ મુશ્કેલ બનાવી છે. ઓછા વરસાદને કારણે જળવિદ્યુતનું ઉત્પાદન ઘટ્યું છે, જેને પરિણામે વીજળીની માગ પૂરી કરવા થર્મલ પાવર પ્લાન્ટ પર વધુ આધાર રાખવો પડી રહ્યો છે.
CEAના આંકડા અનુસાર સપ્ટેમ્બરમાં કોલસા આધારિત વીજળીનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણીએ 13.3 ટકા વધ્યું હતું, જ્યારે જળવિદ્યુતનું ઉત્પાદન 20 ટકા ઘટ્યું હતું. તેમ છતાં સપ્ટેમ્બરમાં વીજળીની માગ અને પુરવઠા વચ્ચેનો તફાવત વધીને 560 મિલિયન કિલોવોટ-કલાક થયો હતો. ઓગસ્ટ, 2023 પછીનો આ સૌથી મોટો તફાવત છે.

બિન-અશ્મિભૂત ઊર્જાનો હિસ્સો વધ્યો, છતાં કોલસા પર આધાર
ભારત હવે વીજળીના કુલ ઉત્પાદનમાં લગભગ 55 ટકા હિસ્સો બિન-અશ્મિભૂત ઊર્જા સ્ત્રોતોમાંથી મેળવી રહ્યું છે. દેશમાં નવીનીકરણીય ઊર્જાનું ઉત્પાદન વધારવામાં આવી રહ્યું છે, પરંતુ વધારાની સ્વચ્છ ઊર્જાનો સંગ્રહ કરી શકાય તેવી બેટરી વ્યવસ્થા મર્યાદિત છે. આથી, જ્યારે વીજળીની માંગ ટોચ પર પહોંચે છે ત્યારે ભારતે માગ પૂરી કરવા માટે કોલસા આધારિત વીજળી પર આધાર રાખવો પડે છે. કોલસાના ઘટતા ભંડાર અને વધતી વીજળીની માગને કારણે આગામી સમયમાં વીજ પુરવઠા સામે પડકારો ઊભા થઈ શકે છે.






