રૂ. 60 કરોડ જમા કર્યા વગર વિદેશ નહીં જઈ શકે શિલ્પા શેટ્ટીઃ HC

મુંબઈઃ બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓ ઓછી નથી થતી. બોમ્બે હાઈકોર્ટે આજે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના રૂ. 60 કરોડના કહેવાતા છેતરપિંડી કેસમાં સુનાવણી કરી છે. કોર્ટે અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુન્દ્રાને કહ્યું છે કે જો તેઓ લોસ એન્જેલસ અને અન્ય દેશોની મુસાફરી કરવા માગે છે તો પહેલાં તેમણે રૂ. 60 કરોડની રકમ જમા કરવી પડશે.

આ આદેશ એ અરજી બાદ આવ્યો છે, જેમાં દંપતીએ તેમના વિરુદ્ધ દાખલ રૂ. 60 કરોડની કહેવાતી છેતરપિંડીના કેસમાં જારી કરાયેલા લુકઆઉટ સર્ક્યુલર (LOC)ને રદ કરવાની માગ કરી હતી.આગલી સુનાવણી ક્યારે થશે?

આ કેસની આગામી સુનાવણી 14 ઓક્ટોબર, 2025એ થશે. કોર્ટની આ શરત તે સમયે આવી છે જ્યારે મુંબઈ પોલીસની આર્થિક ગુનો શાખા (EOW)  રૂ. 60 કરોડની કહેવાતી છેતરપિંડીના કેસમાં તપાસ કરી રહી છે. આ કપલે વ્યાવસાયિક અને ખાનગી મુસાફરી માટે લોસ એન્જેલસ જવાની કોર્ટ પાસે પરવાનગી માગી હતી, પરંતુ ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું કે મોટી જમાનત રકમ વિના મુસાફરીની મંજૂરી આપી શકાતી નથી.

શું છે આખો કેસ?

આ કેસ ઓગસ્ટમાં સામે આવ્યો હતો. લોટસ કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડના ડિરેક્ટર અને ઉદ્યોગપતિ દીપક કોઠારીએ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા પર રૂ. 60 કરોડથી વધુની છેતરપિંડીનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી હતી. કોઠારીના જણાવ્યા અનુસાર આ ઘટનાઓ 2015 થી 2023 વચ્ચે બની હતી. તેમણે દાવો કર્યો કે દંપતીએ તેમની કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઈવેટ લિમિટેડ માટે રૂ. 75 કરોડની લોન માટે તેમની પાસે સંપર્ક કર્યો હતો. આ કંપની લાઈફસ્ટાઈલ પ્રોડક્ટ્સને પ્રમોટ કરવા અને ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ ચલાવવા માટે શરૂ કરવામાં આવી હતી.