મુંબઈ: IPL ફ્રેન્ચાઇઝીસ સાથે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ની મીટિંગ દરમિયાન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના સહ-માલિક શાહરૂખ ખાન અને પંજાબ કિંગ્સના માલિક નેસ વાડિયા વચ્ચે ઉગ્ર દલીલ થઈ હોવાના અહેવાલો છે. કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખ અને નેસ વાડિયા વચ્ચે IPLની રિટેન્શન પોલિસીને લઈને વિવાદ થયો હતો. શાહરૂખ અને નેસ વચ્ચે કેટલા ખેલાડીઓને રિટેન કરવા તે અંગે ઉગ્ર ચર્ચા થઈ હતી.
આઈપીએલ 2025ને લઈને આ બેઠક યોજાઈ હતી
બીસીસીઆઈએ બુધવારે પુષ્ટિ કરી હતી કે તેણે આઈપીએલ 2025 અંગે ટીમના માલિકો સાથે ચર્ચા કરી છે અને કોઈપણ અંતિમ નિર્ણય લેતા પહેલા આઈપીએલ એપેક્સ કાઉન્સિલની બેઠક દરમિયાન ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ બેઠકમાં કોઈ પરિણામ આવ્યું ન હતું, પરંતુ BCCIને આગામી સિઝન પહેલા ફ્રેન્ચાઈઝી શું ઈચ્છે છે તેની માહિતી મળી ગઈ હતી. IPL 2025ની સિઝન પહેલા મેગા ઓક્શન યોજાવાની છે, પરંતુ ઘણી ટીમોના માલિકોએ તેની સામે અવાજ ઉઠાવ્યો છે.
માલિકોએ ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી
માલિકોએ મીટિંગ દરમિયાન મેગા ઓક્શન, રીટેન્શન પોલિસી અને ઈમ્પેક્ટ પ્લેયર્સની જરૂરિયાત સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. મીટિંગમાં હાજરી આપનાર બીસીસીઆઈના ટોચના સૂત્રના જણાવ્યા અનુસાર શાહરૂખે મેગા ઓક્શન સામે વિરોધનો અવાજ ઉઠાવ્યો હતો.એવામાં શાહરૂખ અને નેસ વાડિયા વચ્ચે રિટેન્શન પોલિસીને લઈને થયેલી ચર્ચાએ માહોલ ગરમ કર્યો હતો. શાહરૂખ મોટાભાગના ખેલાડીઓને જાળવી રાખવાની હિમાયત કરી રહ્યો હતો, જ્યારે વાડિયા તેની વિરુદ્ધ હતા.
મીટિંગમાં KKRના શાહરૂખ અને વાડિયા ઉપરાંત સનરાઈઝર્સ હૈદરાબાદના માલિક કાવ્યા મારન, લખનૌ સુપર જાયન્ટ્સના સંજીવ ગોએન્કા અને તેમના પુત્ર શાશ્વત અને દિલ્હી કેપિટલ્સના માલિક પાર્થ જિંદાલ પણ હાજર હતા. રાજસ્થાન રોયલ્સ તરફથી મનોજ બાદલે અને રણજીત, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી પ્રથમેશ મિશ્રા, ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી કાસી વિશ્વનાથ અને રૂપા ગુરુનાથ, ગુજરાત ટાઇટન્સ તરફથી અમિત સોની, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના માલિક ઓનલાઈન મીટિંગમાં જોડાયા હતા.