પાંચ વર્ષમાં સાત લાખ કરોડ રૂપિયાની GST ચોરી પકડાઈ: નાણાં રાજ્યમંત્રી

નવી દિલ્હીઃ છેલ્લાં પાંચ વર્ષોમાં (2020-21થી 2024-25 સુધી), કેન્દ્રીય GST (CGST) ફીલ્ડ અધિકારીઓએ લગભગ રૂ. 7.08 લાખ કરોડની GST ચોરી પકડી છે, જેમાં માત્ર ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) કૌભાંડનો હિસ્સો રૂ. 1.79 લાખ કરોડ છે, એમ આ માહિતી નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં આપી હતી.

વિત્ત વર્ષ 2024-25માં જ રૂ. 2.23 લાખ કરોડની GST ચોરી પકડવામાં આવી હતી, જેમાંથી લગભગ 15,283 કેસોમાં ITC કૌભાંડ દ્વારા ₹58,772 કરોડની હેરાફેરી કરવામાં આવી હતી. આ વર્ષ દરમિયાન કુલ 30,056 કેસ પકડાયા હતા, એટલે કે આ વર્ષે પકડાયેલા કુલ કેસોમાંથી અડધાથી વધારે કેસો ITC કૌભાંડ સાથે સંકળાયેલા હતા.

વર્ષ 2023-24માં રૂ. 2.30 લાખ કરોડની GST ચોરી પકડી હતી, જેમાંથી રૂ. 36,374 કરોડ ITC કૌભાંડથી સંકળાયેલા છે. વર્ષ 2022-23માં રૂ. 1.32 લાખ કરોડની ચોરી, જેમાં ₹24,140 કરોડ ITC દાવા કરવામાં આવ્યા હતા. વર્ષ 2021-22માં રૂ. 73,238 કરોડની ચોરી થઈ હતી, જેમાં રૂ. 28,022 કરોડ ITCનું કૌભાંડ અને 2020-21માં રૂ. 49,384 કરોડની ચોરી થઈ હતી, જેમાં રૂ. 31,233 કરોડ ITC કૌભાંડ હતું.

છેલ્લાં પાંચ વર્ષમાં CGST અધિકારીઓએ કુલ 91,370 કેસોમાં ટેક્સ ચોરી પકડીલી છે. આ કેસોમાંથી આશરે ₹1.29 લાખ કરોડની વસૂલાત વોલેન્ટરી ડિપોઝિટ દ્વારા કરાઈ છે. GST ચોરી રોકવા માટે સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે, જેમ કે  ઈ-ઈનવોઈસિંગ, GST એનાલિટિક્સ  સિસ્ટમ દ્વારા પકડાઈ રહેલી ખામીઓનું મોનિટરિંગ, ઇન્ટેલિજન્સ શેરિંગ, ઓડિટ માટે હાઈ-રિસ્ક કરદાતાઓની ઓળખ વગેરે. રાજ્ય મંત્રી પંકજ ચૌધરીના જણાવ્યા મુજબ આ પગલાં આવક સુરક્ષા માટે અને ઠગોને પકડવા માટે ઉપયોગી સાબિત થઈ રહ્યાં છે.