અમદાવાદઃ સતત આઠ દિવસના ઘટાડા પછી ઘરેલુ શેરબજારોમાં જોરદાર રિકવરી જોવા મળી હતી. RBIની ધિરાણ નીતિમાં રેપો રેટ સ્થિર રાખવા અને આગામી સમયમાં વ્યાજકાપની શક્યતાએ રોકાણકારોને વિશ્વાસ વધાર્યો હતો. જેથી તેમણે જોરદાર લેવાલી કાઢી હતી. શેરબજારોએ RBIની ધિરાણ નીતિને તેજી સાથે વધાવી હતી. જેશી સેન્સેક્સ 717 પોઇન્ટ ઊછળી 80,983 અને નિફ્ટી 225 પોઇન્ટ ઊછળીને 24,836એ બંધ આવ્યો હતો. બેન્કિંગ ઓઠો IT, ડિફેન્સ અને ફાર્મા શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં તેજીનો માહોલ હતો.
RBIએ કેપિટલ માર્કેટમાં લેન્ડિંગનો વ્યાપ વધારવા માટે લોન પર રેગ્યુલેટરી કેપ હટાવતાં બેન્કિંગ શેરોમાં ભારે લેવાલી થઈ હતી. જેથી બેન્ક નિફ્ટી 700 પોઇન્ટ ઊછળ્યો હતો.આ સાથે વૈશ્વિક બજારોમાં આવેલી તેજીની અસર ઘરેલુ શેરબજારો પર પડી હતી. આ સાથે ક્રૂડ ઓઇલમાં ઘટાડો થતાં પણ શેરોમાં તેજીને બળ મળ્યું હતું. રિઝર્વ બેન્કે સતત બીજી વાર રેપો રેટ યથાવત રાખતાં ચાલુ નાણાકીય વર્ષમાં GDP ગ્રોથ દરનો અંદાજ વધારીને 6.8 ટકા કર્યો છે. જેથી રોકાણકારોના વિશ્વાસમાં વધારો થયો હતો.
BSE પર કુલ 4291 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 2802 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 1353 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 136 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 150 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 120 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 270 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 173 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.
